ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજીના ગોઢકુલ્લા ગામમાં હૅન્ડગ્રેનેડથી થયેલા વિસ્ફોટની ગંભીરતાને ત્રણ એજન્સીઓ તપાસમાં લાગી ગઇ છે. ગોઢકુલ્લા ગામમાં એક મકાનમાં ગત શનિવારે થયેલા વિસ્ફોટમાં 32 વર્ષીય પુરુષ અને તેની અઢી વર્ષની પુત્રીનું મોત થયું હતું. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ વિસ્ફોટ હૅન્ડગ્રેનેડથી થયો હતો. ગોઢકુલ્લા ગામના આ મકાનમાં જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તેમાં એક જ પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટની ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને તેની પુત્રીનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પરિવારમાં માતા તથા એક અન્ય પુત્રી ઈજાગ્રસ્ત થયાં હતાં અને બંને હજી સારવાર હેઠળ છે.
વિસ્ફોટમાં મૃત્યુ પામેલા વ્યક્તિ રમેશ ફણેજાની હથિયાર અને હૅન્ડગ્રેનેડ સાથેની કેટલીક તસવીરો પણ હવે સામે આવી છે, જેથી પોલીસ ગહન તપાસ કરી રહી છે. રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ-પ્રમુખ સંજય ખરાતે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હોવાનું કહેવાય છે. ઘટના સંબંધિત તમામ નમુના પોલીસે તપાસ માટેફૉરેન્સિક સાઇન્સ લૅબોરેટરીમાં મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે મૃતક રમેશ ફણેજા અને તેમના એક મિત્ર સામે અલગઅલગ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.
આ ગ્રેનેડ કોનો છે અને તે ગામની પાસે આવેલા તળાવના કિનારે કેવી રીતે પહોંચ્યો તેને લઈને એસઓજી તપાસ આરંભી છે. હાલ આ ઘટનાની તપાસમાં એટીએસ, એસઓજી, તેમજ જિલ્લા એલસીબીને લગાવવામાં આવી છે. મૃતક વ્યક્તિના ફોટોને કારણે પોલીસ વધારે સચેત થઈ ગઈ છે. મૃતક એક તસવીરમાં પૅન્ટના ખિસ્સા પર હૅન્ડગ્રેનેડ લટકાવીને ઊભો જોવા મળે છે. શામળાજી પોલીસે મૃતક રમેશ ફણેજા અને તેના મિત્ર વિનોદ ફણેજા વિરુદ્ધ આર્મ્સ ઍક્ટ, ઍક્સપ્લોઝિવ સબસ્ટન્સ ઍક્ટ સહિત જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મૃતક રમેશ અને તેના મિત્ર વિનોદ પર આરોપ છે કે બંને એકબીજાની મદદથી કોઈ લાઇસન્સ કે પરવાનગી વગર બિનવારસી હૅન્ડગ્રેનેડ લઈ આવ્યા અને તેનાથી આજુબાજુ રહેલા લોકોને જીવનું જોખમની ખબર હોવા છતાં તેને ગેરકાયદેસર રીતે ઘરે રાખ્યો હતો. પોલીસે હજી આ મામલે કોઈની ધરપકડ નથી કરી પરંતુ આ કેસમાં કેટલાક લોકો સાથે પૂછપરછ ચાલી રહી છે.