10 જુલાઈના રોજ જેઠ મહિનાની અમાસ હિંદુ સમાજના ચાલુ વર્ષની બીજી શનિ અમાસ છે. આ દિવસે તીર્થ સ્થાનોએ સ્નાન કરવું અને દાન કરવું જેવી બાબતોનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા તો એવી છે આ દિવસે શ્રદ્ધાપૂર્વક કરાતા વિધિવિધાનોતી તમારાથી અજાણતામાં થયેલા પાપ નષ્ટ થઈ જાય છે. ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે કે, શનિવારે આવતી અમાસ શુભ ફળ આપે છે. તેથી આ તિથીએ તીર્થ સ્નાન અને દાનથી અનેકગણું પુણ્ય મળે છે. અમાસ શનિ દેવની જન્મતિથી પણ છે. આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરો તો જેની કુંડળીમાં શનિ દોષ હોય તે દૂર થઈ જાય છે. કોઈપણ મહિનાની અમાસ જો શનિવારે આવે છે તો તેને શનિશ્ચરી અમાસ કહેવાય છે. આવા સંયોગમાં સ્નાન-દાન કરવાથી વધુ પુણ્ય મળે છે. આ વર્ષે 13મી માર્ચે શનિવારે વર્ષની પ્રથમ શનેશ્વરી અમાસ હતી. હવે 10 જુલાઈના રોજ વર્ષની બીજી શનેશ્વરી અમાસ છે. આ સંયોગ હવે પછી વર્ષના અંતમાં બનશે. આ વર્ષની અંતિમ શનિ અમાસ 4 ડિસેમ્બરે હશે. આ દિવસે શનિ દેવની કૃપા મેળવવા માટે વ્રત રાખવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ.
શનિવારે અમાસ તિથી સૂર્યોદયના થોડા સમય સુધી રહેશે. તેથી આ દિવસે તીર્થ અને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. અને જરુરિયાતમંદો કે ગરીબોને દાન આપવું જોઈએ. આ દિવસે તીર્થ સ્નાન કરવું અથવા ઘરે જ ન્હાવાના પાણીમાં પવિત્ર નદીઓનું જળ ઉમેરીને સ્નાન કરવું. આમ થવાથી તમારા અજાણતામાં થયેલા પાપને દૂર થઈ જાય છે. આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે તેલ, જૂતા-ચપ્પલ, લાકડીનો પલંગ, છત્રી, કાળા કપડા અને અડદની દાળનું દાન કરવાથી કુંડળીમાં રહેલો શનિ દોષ દૂર થઈ જાય છે.
શનિશ્ચરી અમાસે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવાથી શનિ દોષ દૂર થાય છે, પીપળામાં તલ ચઢાવવાથી પિતૃ દોષ દૂર થાય છે. એક લોટા પાણીમાં દૂધની સાથે સફેદ તલ મિક્સ કરી પીપળા પર ચઢાવવાથી પિતૃ દોષની અસર ઓછી થઈ જાય છે. આ દિવસે કાળા કપડામાં કાળા તલ રાખીને દાન કરવાથી સાઢાસાતી અને ઢય્યાથી પીડિત લોકોને રાહત મળી શકે છે.