ગુજરાતમાં અનેક સ્થળને છેલ્લાં બે દાયકામાં પર્યટન સ્થળ તરીકે વિકસાવાયા છે. દરિયાઈ કિનારા, મંદિરો, જૂની ઈમારતો અને ઐતિહાસિક નગરોમાં અનેક સ્થળે યાત્રાળુઓ ફરવા આવે અને સ્થાનિક સ્તરે રોજગારીની તક વધે તે માટે સરકાર પણ પ્રયાસો કરતી રહી છે. આવા જ સ્થળમાં એખ સ્થળ શેત્રુંજય પર્વત પણ છે. રાજ્યના મોટાશહેરોમાં ભાગદોડ ભરી જિંદગી જીવતા લોકો આ સ્થળે હળવાશથી પળો વીતાવી શકે છે. શેત્રુંજય પર્વત ગુજરાતના ઐતિહાસિક શહેર પાલિતાણા નજીક આવેલું છે. શહેરની પાસે પાંચ પર્વતો હોવા છતાં, સૌથી પવિત્ર ટેકરી શત્રુંજયનું નામ રાજ્યભરમાં જાણીતું છે. શત્રુંજય જેનો શાબ્દિક અર્થ શત્રુ પર વિજય એવો થાય છે. શત્રુંજય પર્વત શાંતિ અને આધ્યાત્મિકતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સમુદ્રની સપાટીથી આ ટેકરીની ઉંચાઈ 164 ફૂટ છે. આમ તો આ પર્વત જૈન સમાજના લોકો માટે જાણીતુ નામ રહ્યું છે, કારણ કે, અહીં આ ટેકરી પર સેંકડો જૈન મંદિરો આવેલા છે. જે ખૂબ પ્રાચીન હોવાથી ભક્તોની બારેમાસ અવરજવર રહે છે.
ડુંગર પર પહોંચવા માટે પથ્થરના 375 પગથીયા છે. શત્રુંજય પર્વત પર આવેલા મંદિરોના નિર્માણ અંગે કહેવાય છે કે, તે મંદિરો 900 વર્ષ પહેલા બનાવાયા હતા. દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં લોકો આ ટેકરી પર પહોંચે છે. જૈન ધર્મના સ્થાપક આદિનાથે આ શિખર પર આવેલા ઝાડ નીચે સખત તપશ્ચર્યા કરી હતી. આજે પણ અહીં આદિનાથનું મંદિર છે.
મંદિર જતી વખતે પગથીયા ચઢતી વખતે તમે પ્રકૃતિના આશ્ચર્યજનક દૃશ્યોનો આનંદ લઈ શકો છો. આ પહાડ પર જ મુસ્લિમ સંત અંગાર પીરની દરગાહ આવેલી છે. તમે આ શાંતિપૂર્ણ સ્થળે જીવનની વાસ્તવિક અનુભૂતિ મેળવો તેવુ વાતાવરણ હોય છે. જાણકારો માને છે કે, તણાવ દૂર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એટલે ધ્યાન યોગ, જીવનશૈલીમાં ફેરફાર અને માનસિક શાંતિ માટે ફરવા જવુ. તેથી તમે પણ શત્રુંજય પહાડ પર ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. અહીં સમય પસાર કરવાથી તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર સારી અસર પડશે.