ભકતામર સ્તોત્ર માત્ર ભૌતિક ઇચ્છાઓની પૂર્તિ કરનારું જ નહીં પણ જીવનમાં આવતા તમામ વિઘને અને ભય દૂર કરનારું, આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રશમરસની પ્યાસ બુઝાવીને વીતરાગતાની ભેટ ધરનાર સ્તોત્ર છે
બીલીમોરા : ગૌહરબાગ સ્થિત ‘શુભહ સંકુલ’માં પૂજય પંન્યાસ પ્રવરશ્રી પદ્મદર્શનવિજયજી મહારાજ સાહેબ અને પૂ.મુનિ પ્રીતદર્શન વિજયજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં કૌશિકાબેન કિરીટકુમાર શાહ રાનકુવાવાળા પરિવાર તરફથી ‘શ્રી ભકતામર મહાપૂજન’ સંગીતની સરગમ સાથે આન, બાન અને શાનપૂર્વક ભણાવવામાં આવ્યું હતું. વર્ષીતપની અનુમોદના નિમિત્તે ઍક પછી ઍક ભકિતના કાર્યક્રમો ગોહરબાગ જૈન સંઘમાં ભવ્યતા સાથે થઇ રહ્ના છે. જેમાં મોટી સંખ્યામાં પ્રભુભકતો જાડાઇ રહ્યા છે. પૂ.પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે ભકતામર સ્તોત્રની ગરિમા અને ગૌરવ બતાવતા કહ્યું હતું કે, જૈન શાસનના પ્રત્યેક સ્તોત્રો ચમત્કારિક છે. જેમાં અત્યંત ગાઢ રહસ્યો છૂપાયેલા છે. ભકતામર સ્તોત્રના પ્રત્યેક શ્લોકમાં વિવિધતા અને વિશિષ્ટતા છૂપાયેલી છે. શકિતના મહાપૂંજ તરીકે આ સ્તોત્ર છે. જૈનાચાર્ય માનતુંગસૂરિજી મહારાજે આ સ્તોત્રની રચના કરી છે. આ સ્તોત્ર માત્ર ભૌતિક ઇચ્છાઓની પૂર્તિ કરનારું જ નહીં પણ જીવનમાં આવતા તમામ વિઘને અને ભય દૂર કરનારું છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રશમરસની પ્યાસ બુઝાવીને વીતરાગતાની ભેટ ધરનાર આ સ્તોત્ર છે. એકેક શ્લોકની રચના દ્વારા માનતુંગસૂરિજી મહારાજની ૪૪ બેડીઓ તૂટતી ગઇ અને બંધ થયેલા દ્વાર એની મેળે જ ખુલી ગયા હતા. આવું પ્રભાવક આ મહાન સ્તોત્ર છે. સંપત્તિના વૈભવ કરતા ગુણવૈભવ મહત્વનો છે. પ્રભુની બાહ્ના-ઋદ્ધિરૂપ વૈભવનું આ સ્તોત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. આઠ પ્રકારના ભયોને હરનાર પ્રભુનો પ્રભાવ અચિન્ત્ય કોટીનો છે. ગમે તેવા હઠીલા રોગો પણ આ સ્તોત્રમાં રહેલા મન્ત્રોના પ્રભાવે દૂર થાય છે. આ સ્તોત્રનું એકેક કાવ્ય રસાળ ભકિતપદોથી હર્યું ભર્યું છે. જો અહોભાવ અને અર્થબોધનો સુભગ સમન્વય થાય તો અવનવા ભકિતભર્યા સંવેદનો પ્રગટયા વિના ન રહે. ભકતના હૃદયરૂપી હિમાલયમાંથી નીકળેલ ભકિત-ગંગાનો પ્રવાહ એટલે ભકતામર સ્તોત્ર. આ પ્રસંગે જીવદયાનું ફંડ મોટી રકમમાં થયું હતું. જે પાંજરાપોળોમાં ફાળવાયું હતું. પ્રીતિભોજન પણ થયું હતું.