42 દિવસ બાદ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ખાસ કરીને મોટા શહેરોમાં વાયરસનું સંક્રમણ ઝડપભેર થઈ રહ્યું હોવાથી ઠાકરે સરકાર અને આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. મુંબઈસ પુના સહિતના રાજ્યના દરેક મોટા શહેરોમાં દરરોજ 3થી 4 હજાર કેસ કોરોના પોઝિટિવ તરીકે નોંધાઈ રહ્યા છે. મુંબઈમાં ચાર પાંચ દિવસથી કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. જેને પગલે મંગળવારે આ બાબતે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે મીડિયા સમક્ષ આવીને જણાવ્યું હતુ કે, આપણને મળેલી છુટછાટ ફરી મુસીબત નોતરી શકે છે. હાલ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા દરરોજ વધી રહી છે. જો લોકો માસ્ક નહીં પહેરે તો શહેરમાં લોકડાઉન મુકવુ અનિવાર્ય બનશે. રાજ્યમાં અને મુંબઈમાં વધી રહેલા કોરોનાના કેસ આપણા માટે ચિંતા વધારનારી બાબત છે. મેયરે ઉમેર્યું હતુ કે, રાજ્યમાં મુસાફરી દરમિયાન મોટાભાગના લોકો માસ્ક પહેરતા જ નથી. બજારો ખુલી જતાં ભીડ થઈ રહી છે, આવા સ્થળે સોશિયલ ડીસ્ટેન્સિંગ જળવાતું નથી. ઉપરાંત ભીડ હોવા છતાં માસ્ક પહેરવામાં ઉદાસીનતા દાખવાઈ રહી છે. કોરોનાથી બચવા માટે લોકોએ પોતે જ સાવધાની રાખવી પડશે.
લોકો હજુ પણ માર્ગદર્સિકાનું પાલન નહીં કરશે તો લોકડાઉન એકમાત્ર ઉપાય રહી જશે. પત્રકાર પરિષદમાં શું લોકડાઉન ફરીથી લાગુ કરવામાં આવશે? તેવો સવાલ પુછાતા મેયરે કહ્યું હતુ કે, આનો નિર્ણય લોકોના હાથમાં છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના 4,092 નવા દર્દી મળ્યા છે. જ્યારે 40ના મોત થયા છે. સોમવારે આખા દેશમાં છેલ્લા 6 મહિનામાં સૌથી ઓછા 4.9 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે મુંબઈમાં કોરોના ફરી પગ પ્રસારવા લાગ્યો છે. છેલ્લા અનેક દિવસથી 500થી વધારે દર્દીઓ રોજ મળી રહ્યા છે. રાજ્યમાં સંક્રમણને લઈને સ્થિતિ ગંભીર બનવા તરફ આગળ વધી રહી છે. હાલમાં પણ 35,965 દર્દી સારવાર હેઠળ છે.