કોંગ્રેસમાં છેલ્લાં 3 મહિનાથી પાર્ટીના નેતાઓ દ્વારા સંગઠન મુદ્દે અસંતોષનો સુર વ્યક્ત કરાયા બાદ શનિવારે બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત પાર્ટીના વરિષ્ઠ નેતા પૂર્વ મુખ્યમંત્રી મનમોહન સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, પૃથ્વીરાજ ચવ્હાણ, પી ચિદમ્બરમ, ભૂપિંદર સિંહ હુડ્ડા, અંબિકા સોની, મનીષ તિવારી, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અને કમલનાથ 10 જનપથ ઉપર હાજર રહ્યા હતા. લગભગ 5 કલાક ચાલેલી બેઠકમાં પાર્ટીને મજબુત કરવાની દીશામાં નક્કર આયોજનની ચર્ચા થઈ હતી. સોનિયા ગાંધી દ્વારા આ બેઠક પાર્ટીમાં ચાલી રહેલા આંતરીક ડખાને દુર કરવા અને નવા અધ્યક્ષની પસંદગી માટે બોલાવી હતી.
તેથી સોનિયાએ પાર્ટીના નારાજ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, આપણે એક મોટો પરિવાર છીએ. પાર્ટીને મજબુત કરવા માટે આપણે તનતોડ મહેનત કરવાની જરૃર છે. પાર્ટી ટૂંક સમયમાં જ ચિંતન શિબિર કરશે, જેમાં ભાજપને લડત આપવા રણનીતિ તૈયાર કરાશે. બેઠકમાં કોંગ્રેસના અસંતુષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને ફરી પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ રજૂ કરી હતી. બીજી તરફ રાહુલ ગાંધીએ પાર્ટીની જે ભૂમિકા નક્કી કરશે, તે નિભાવીશ તેમ કહીને પોતે અધ્યક્ષ રહે તો કામ કરવા તૈયાર હોવાના સંકેત આપ્યા હતા. આમ, પાર્ટીમા ઉઠેલો અસંતોષનો સુર હાલ શમી ગયાનું જણાય રહ્યું છે.
પવન બંસલે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વને લઈને અસંતોષ નથી. બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે, પાર્ટીના 20 નેતાઓએ લગભગ 5 કલાક સુધી ચર્ચા કરી હતી. પાર્ટીને વધારે સશક્ત બનાવવા માટે તમામ નેતાઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા છે. આગામી દિવસોમાં પંચમઠી અને શિમલામાં પાર્ટીની ચિંતન શિબિર યોજાશે. જેમાં પાર્ટીને મજબુત બનાવવા કયા કયા મુદ્દા પર કામ કરવું તેના નિર્ણયો થશે.