ભારતના પશ્ચિમી રાજ્યોમાં તાઉ તે વાવાઝોડાએ વિનાશ વેર્યા બાદ યાસ નામનું વાવાઝોડુ પૂર્વોત્તરના રાજ્યોમાં ત્રાટકવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. સંભવત ઃ 26મીની આસપાસ આ વાવાઝોડું બંગાળ, ઓરિસ્સા સહિતના વિસ્તારમાં ત્રાટકશે. હવામાન ખાતાની આગાહીને પગલે સરકાર અને વહિવટી તંત્ર દ્વારા અગમચેતીના પગલા ભરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડા યાસને લઇ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિની એક બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય અને રાજ્ય મંત્રાલયો/એજન્સીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં તમામ તંત્રોને સંકલન રાખવા તાકીદ કરાઈ હતી. ઉપરાંત તેમની તૈયારીઓને લઇ સમીક્ષા થઈ હતી.
સંબંધિત રાજ્યોના સચિવોને વાવાઝોડાથી બચવા માટે કરેલી તૈયારીઓ અંગે રિપોર્ટ કરવા સુચન કરાયું હતુ. બેઠક દરમિયાન રાજીવ ગૌબાએ સચિવો અને અન્ય અધિકારીઓને કહ્યું હતુ કે, વીજળી, દુરસંચાર અને અન્ય જરૂરી સેવાને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી લેવી આવશ્યક છે.
26 મેના રોજ સવારે યાસ વાવાઝોડું પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બાંગ્લાદેશ નજીકની બંગાળની ખાડીમાં પહોંચશે. અને એ જ દિવસે સાંજે વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસ્સામાંથી પસાર થશે. વાવાઝોડાની સંભાવનાને જોતાં પૂર્વ ભારતના દરિયા કિનારાના રાજ્યોએ એલર્ટ રહેવું પડશે. આ સાથે જ રાહત અને બચાવ માટે આયોજન કરવા પડશે. ભારતીય નેવી અને કોસ્ટગાર્ડને પણ કોઈપણ સંજોગોને પહોંચી વળવા સજજ કરવા પડશે. કેન્દ્ર દ્વારા રાજ્યોને તમામ મદદ કરાશે. હાલ NDRFની 65 ટીમો તૈનાત કરાઇ છે અને 20 વધુ ટીમો સ્ટેન્ડબાય પર રખાઇ છે. વહાણ અને વિમાનની સાથે સેના, નૌકાદળ અને કોસ્ટગાર્ડની બચાવ અને રાહત ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આંદામાન નિકોબારમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે. પ્રદેશોની સરકારે કેન્દ્ર સાથે સંકલન સાધી તમામ કપરી સ્થિતિમાં ઓછી નુકસાની માટે કવાયત હાથ ધરી છે.