કોરોનાને કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા છે. અંતિમ સંસ્કાર માટે પણ લાઇનો લાગી હતી. એ સંજોગોમાં દરરોજ કેટલાય મૃતદેહોના અગ્નિ સંસ્કાર થયા હશો, એની તો કલ્પના પણ ધ્રૂજાવી દે. સતત અગ્નિ સંસ્કાર ચાલતા રહે ત્યારે સુરતમાં ચીમની પણ પીગળી ગઇ હતી. એવી જ ઘટના રાજકોટમાં નોંધાઇ છે, જ્યાં એક જ મહિનામાં 1000 કોરોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં બે ભઠ્ઠી બળી ગઇ છે. રાજકોટના રામનાથપરા સ્મશાનમાં બંને ભઠ્ઠીઓ બળી જતાં 40 દિવસ માટે અંતિમ સંસ્કારનું કામ બંધ કરી દેવું પડ્યું છે.
કોરોનાએ ઘણાના ભોગ લીધા છે. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે મૃતકોના અંતિમ સંસ્કાર કરવાના હોય છે. કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા એટલી રહી કે સ્મશાનમાં પણ લાઇન લાગી હતી. રાજકોટના રામનાથપરા સ્મશાનમાં પણ એ જ હાલત હતી. એક મહિનો સુધી સતત ચોવીસે કલાક અંતિમ સંસ્કાર થતા જ રહ્યા હતા. એક મહિનામાં અહીં લગભગ 1000 મૃતકોના અગ્નિ સંસ્કાર થયા હતા. સતત ચોવીસે કલાક અગ્નિ સંસ્કાર ચાલતા ભઠ્ઠી સતત ગરમીને કારણે બળતી ગઇ. ભઠ્ઠીના અનેક ભાગોને ભારે નુકશાન થયું છે. હવે બંને ભઠ્ઠીઓ બળી જતાં આવતા 40 દિવસ સુધી એ ભઠ્ઠી કામ આવી શકે એમ નથી.
આ સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં અગ્નિ સંસ્કાર થતા હતા. એક સમયે દરરોજ 20 થી 25 મૃતદેહોના અગ્નિ સંસ્કાર થતા હતા. અંદરની ચેમ્બર્સમાં પ્લાસ્ટિક કીટ સાથે મૃતદેહને અગ્નિ દાહ અપાતો હોવાને કારણે પ્લાસ્ટિક પીગળતાં ભઠ્ઠીની ઇંટ અને કોયલ બળી ગઇ છે. તેનું સમારકામ હવે ચાલુ કરાયું છે. જો કે સમારકામ કરીને ભઠ્ઠીને ફરીથી અગ્નિદાહ માટે સક્ષમ બનાવવા માટે 40 દિવસ નીકળી જશે. એ સમય દરમ્યાન અહીં કોઇના અગ્નિ સંસ્કાર થઇ શકે એમ નથી.
આ સ્મશાન ગૃહમાં છેલ્લા એક મહિનામાં 1000 મૃતદેહોના અંતિમ સંસ્કાર થયા હતા. આ કારણે આ ભઠ્ઠીઓ બળી ગઇ છે. ફક્ત રાજકોટ જ શું કામ સુરત, અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોમાં પણ સ્માશાનની ભઠ્ઠીઓને નુકશાન થયું છે. સ્મશાનમાં રાખવામાં આવતી ભઠ્ઠીઓની એક મર્યાદા હોય છે. પરંતુ કોરોનાને કારણે મૃત્યુઆંક સતત વધતો ગયો અને તેને કારણે સ્મશાન ઉપર પણ ભારણ વધી ગયું હતું. હવે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, તે સાથે મૃતકોની સંખ્યા પણ ઘટવા માંડી છે, તેને કારણે હવે દરેક સ્મશાન ઉપરનું ભારણ ઓછું થશે. જો કે ગેસ કે ઇલેક્ટ્રીક ભઠ્ઠી બંધ થવાને કારણે ફરીથી લાકડાથી અંતિમ સંસ્કાર કરવાનો વખત આવ્યો છે. બીજી તરફ લાકડાંનો જથ્થો પણ ઓછો હોવાને કારણે એ રીતે પણ અંતિમ સંસ્કાર કરવા ઘણા સ્થળોએ મુશ્કેલ બન્યા હતા.