ઓસ્ટ્રેલિયાંમાં રમાઈ રહેલી ભારત સાથેની મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓએ વારંવાર મુશ્કેલીમાં મુકાવવું પડ્યું છે. કડક પીચને કારણે ખેલાડીઓ સારો દેખાવ પણ કરી શક્યા નથી. આ પ્રવાસ દરમિયાન ભારતના 6 થી વધુ ખેલાડીઓને ઈજા પહોંચી છે. આ સમયે સેહવાગે મેચ રમવા તૈયારી દર્શાવી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડી સતત મુશ્કેલીમા મુકાઈ રહ્યા છે. મંગળવારે ભારતીય ટીમની મુસીબતમાં વધારો થયો હતો. જેનું કારણ ટીમનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ બ્રિસ્બેનમાં યોજાનારી ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હોવાનું હતુ. જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી બ્રિસ્બેનમાં ચોથી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયા છે. આ ત્રણેય ખેલાડીઓ બ્રિસ્બેનમાં રમી શકશે નહીં. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને બેટ્સમેન લોકેશ રાહુલ પણ ઈજાને કારણે શ્રેણીમાંથી પહેલાથી જ બહાર છે. તે જ સમયે પ્રથમ બે ટેસ્ટમાં નિષ્ફળ ગયેલા બેટ્સમેન મયંક અગ્રવાલનો નેટ પ્રેક્ટિસ દરમિયાન ગ્લોવ્સ પર બોલ વાગ્યો હતો. તે હનુમા વિહારીની જગ્યા લઈ શકે છે. પણ તે માટે તેને થયેલી ઈજા ગંભીર ન હોવું આવશ્યક છે.
આ બોલર મેચ ન રમી શકે તેવી સ્થિતિમાં કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન અજિંક્ય રહાણેની સામે કયા 11 ખેલાડીને રમવા માટે મેદાનમા મોકલવા તે સમસ્યા છે. બીજી તરફ ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે મજાકમાં કહ્યું હતુ કે તે બ્રિસ્બેન ટેસ્ટમાં રમવા માટે તૈયાર છે. વીરેન્દ્ર સેહવાગે પણ પોતાના ટ્વિટમાં મેસેજ આપ્યો હતો કે, જરૃર પડ્યે તે ટીમ માટે રમશે. તેમણે છ ખેલાડીઓની તસવીર શેર કરી હતી જેઓ હાલ ઈજાગ્રસ્ત થયા છે. તસ્વીરો સાથે તેણે લખ્યું કે ઘણા બધા ખેલાડીઓને ઈજા થઈ છે. આવા સંજોગોમાં 11 ખેલાડીની ટીમ બનાવવી કોચ અને કેપ્ટન માટે મોટો પડકાર છે. જો 11 ખેલાડી થતાં ન હોય તો હું ઓસ્ટ્રેલિયા જવા તૈયાર છું. આ સાથે સેહવાગે બીસીસીઆઈને પણ ટેગ કર્યું છે.