પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી ત્રણ દિવસથી એન્ટિગુઆમાં લાપત્તા થયા છે. 13500 કરોડના કૌભાંડના આરોપી ત્રણ દિવસથી લાપત્તા છે, ત્યારે પોલીસ તેની તપાસ કરી રહી છે. દરમ્યાન એન્ટિગુઆના વડાપ્રધાન ગૈસ્ટન બ્રાઉને ચેતવણી આપી છે કે જો મેહુલ ચોક્સી દેશ છોડીને ભાગી જશે તો તેની નાગરિકતા રદ કરી દેવાશે. મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેન્કની સાથે કથીત 13500 કરોડ રૂપિયાની છેતરપીંડી કેસમાં ભારતમાં વોન્ટેડ છે. આ કૌભાંડને પગલે મેહુલ ચોક્સી ભારતથી ભાગીને એન્ટિગુઆ પહોંચી ગયો હતો. એન્ટિગુઆની તેણે નાગરિકા લઇ લીધી છે. પરંતુ હવે ત્યાંથી તેનું ભારતને પ્રત્યાર્પણ થાય એવી હિલચાલને પગલે તે લાપત્તા થઇ ગયાનું મનાય છે. ગયા રવિવારથી તે લાપત્તા છે. જો કે વડાપ્રધાન બ્રાઉને એમ પણ કહ્યું છે કે મેહુલ ચોક્સી લાપત્તા થઇ દેશ છોડીને ભાગી ગયો હોય એવા કોઇ વિશ્વસનીય સમાચાર નથી. એ પણ સંભવ છે કે તે એન્ટિગુઆ તથા બારબુડામાં જ ક્યાંક હોય.
એન્ટિગુઆ બરબુડાની સંસદને આપેલા નિવેદનમાં બ્રાઉને કહ્યું કે, અધિકારીઓ ચોક્સીનો પત્તો મેળવવાના પ્રયાસમાં ભારત સરકાર, પડોશી દેશો અને આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠનની સાથે સહયોગ કરતા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, ચોક્સી પરિવારના કોઇકે તેના લાપત્તા થવાના સંકેત આપ્યા બાદ દેશની પોલીસે આ અંગે નિવેદન કર્યું હતું. એ નિવેદન ઇન્ટરપોલની સાથે પણ શેર કરાશે. આ પહેલા એન્ટિગુઆ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે મેહુલ ચોક્સી છેલ્લે રવિવારે કારમાં જોવા મળ્યા હતા. કાર તો પોલીસને મળી ગઇ છે. પરંતુ મેહુલ ચોક્સીનો કોઇ પત્તો લાગ્યો નથી. મેહુલ ચોક્સીના વકિલ વિજય અગ્રવાલે તેમનો અસીલ મેહુલ ચોક્સી લાપત્તા હોવાના સમાચારને સમર્થન આપ્યું છે. પોલીસ જોલી હાર્બરમાં રહેતા 62 વર્ષના મેહુલ ચોક્સી લાપત્તા થવાથી તપાસ કરી રહી છે. ચોક્સી લાપત્તા થયાની ફરિયાદ જોન્સન પોઇન્ટ પોલીસ મથકે નોંધાઇ છે. મેહુલ ચોક્સી 23 મે 2021થી લાપત્તા છે.
મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018માં ભારતથી ભાગી છુટ્યો હતો. તેણે 2017માં કેરેબિયન ટાપુ એવા એન્ટિગુઆ તથા બારબુડાની નાગરિકતા મેળવી છે. ચોક્સી અને તેનો ભાણેજ નીરવ મોદી પર કેટલાક બેન્ક અધિકારીઓની મીલિભગતથી પંજાબ નેશનલ બેન્કની સાથે કથિત રીતે 13500 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી હોવાનો આરોપ છે. નીરવ મોદી હાલમાં લંડનની એક જેલમાં છે. તેના પ્રત્યાર્પણ માટે પણ પ્રયાસ થઇ રહ્યા છે. મેહુલ ચોક્સી અને નિરવ મોદી સામે સીબીઆઇ તપાસ કરી રહી છે.