બોલીવુડના કલાકાર સોનુ સૂદ તેની માનવતા અને સામાજિક કાર્યોને કારણે જાણીતા છે. તે એક સારો અભિનેતા હોવાની સાથે સમાજસેવી પણ છે. કોરોનાને કારણે 2020માં મુકાયેલા લોકડાઉનના સમયમાં સૂદે અનેક જરૂરિયાતમંદોની મદદ કરી હતી. સોશિયલ મીડિયામાં સોનુ સુદના કામોની ભારે ચર્ચા ચાલી હતી. લોકડાઉન પત્યા પછી પણ સોનુ સૂદે સામાજિક સેવાના કાર્યો ચાલુ રાખ્યા છે. સોનુ સૂદ સતત એવા લોકોની શોધખોળ કરતો રહે છે જેને ખરેખર પ્રાથમિક સુવિધાની તાતી જરૃરિયાત હોય. હાલમાં સોનુ સૂદ સમક્ષ એક વ્યક્તિએ પોતાની મુશ્કેલી કહી હતી.
આ વ્યક્તિએ સુદને વિનંતી કરતા લખ્યું હતુ કે, તેના ગામમાં પાણી માટે હજી લોકો વલખા મારે છે. ગામમાં તંત્ર દ્વારા બોર કે કુવાની કોઈ સુવિધા કરાઈ નથી. તેથી વર્ષોથી લોકો પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જાય છે. તે વ્યક્તિએ વીડિયો દ્વારા મદદ માંગી હતી. તેણે આ વીડિયો ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમાં તેણે ટ્વીટમાં લખ્યું હતું કે, પાણીની ઘણી મુશ્કેલી છે. આ ગરીબોની પણ સાંભળી લો. આ લોકો છેલ્લા કેટલાંક વર્ષોથી પાણી માટે તરસી રહ્યા છે.
રજૂઆત કર્તાની મુશ્કેલી સાંભળીને સોનુ સૂદે તેને મદદ કરવા તૈયારી બતાવી હતી. સોનુ સૂદે ગામની વિગતો મેળવીને પાણી સમસ્યાની ખાતરી કરી હતી. જે બાદ તેણે ટ્વીટર પર રજૂઆત કરનારને જવાબ આપ્યો હતો કે, પાણીની સમસ્યા હવેથી દૂર થઈ જશે. તમારા ગામમાં હું હેન્ડ પંપ મુકાવવા વિચારી રહ્યો છું. ટુંક સમયમાં જ આ કામ પાર પડાશે. સોનુ સુદના આ ટ્વીટ બાદ ગામમાં હેન્ડપંપની કામગીરી શરૃ થઈ ગઈ હતી. ટૂંક સમયમાં ગામના લોકોની સમસ્યાનો ઉકેલ આવી જશે. તેની મદદમાં બે છોકરીઓએ ખેતી માટે બળદ ન હોવાની વાત કરતા તેણે તે છોકરીઓની મદદ માટે બળદની પણ ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું છે.