ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઓલ-ટાઇમ પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી તે વિશે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે ગાંગુલીએ આ ટીમમાં ભારતના માત્ર 2 ખેલાડીઓની જ પસંદગી કરી છે. આ સિવાય ગાંગુલીની આ ટીમમાં વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાનનો એક પણ ખેલાડી સામેલ નથી. સૌરવ ગાંગુલીએ આ ટીમમાં પોતાના હરિફ એવા પોન્ટિંગને તેની ટીમનું સુકાની પદ સોંપ્યું છે. ઝડપી બોલર માટે ગાંગુલીએ ગ્લેન મેકગ્રા અને ડેલ સ્ટેનને પસંદ કર્યા છે. તો સ્પિનર તરીકે શેન વોર્ન અને મુરલીધરનની પસંદગી કરી છે.
ગાંગુલીએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની યુ ટ્યુબ ચેનલ પર તેની ફેવરિટ ઓલ-ટાઇમ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરતા મેથ્યુ હેડન અને એલિસ્ટર કૂકને ઓપનર તરીકે ગણાવ્યા હતા. જ્યારે રાહુલ દ્રવિડની ત્રીજા નંબરના ખેલાડી તરીકે પસંદગી કરી હતી. આ ટીમમાં સચિન તેંડુલકરને ચોથુ સ્થાન અપાયું છે. ગાંગુલીએ આ ટીમમાં અનિલ કુંબલે કે કપિલ દેવ જેવા દિગ્ગજ ભારતીયને સ્થાન આપ્યુ નથી. ઓલ ટાઇમ ઇલેવનમાં 4 ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના, 2 ખેલાડી દક્ષિણ આફ્રિકાના અને 2 ખેલાડી ભારતના છે. આ ઉપરાંત શ્રીલંકાના પણ બે ખેલાડીને ટીમમાં બતાવાયા છે. આ સિવાય જેક કાલિસને ગાંગુલીની ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદ કર્યો છે. શ્રીલંકાના કુમાર સંગાકારાને વિકેટ કીપર તરીકે ગાંગુલીએ પસંદ કર્યો છે. ગાંગુલીની આ ટીમમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને ટીમનો કેપ્ટન બનાવીને સૌને ચોંકાવી દીધા છે. ગાંગુલીએ પસંદ કરેલી ઓલ ટાઇમ પ્લેઇંગ ઇલેવનમાં જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા), કુમાર સંગાકારા (શ્રીલંકા), રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા, કેપ્ટન), ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા), મેથ્યુ હેડન (ઓસ્ટ્રેલિયા), એલિસ્ટર કૂક (ઇંગ્લેન્ડ), રાહુલ દ્રવિડ (ભારત), સચિન તેંડુલકર (ભારત), મુથૈયા મુરલીધરન (શ્રીલંકા), ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા)ને પસંદ કર્યા છે.