પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી ભાજપ અત્યારથી જ મમતા બેનરજી વિરુદ્ધ પ્રચારમાં જોતરાયો છે. ખુદ ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા પણ બંગાળની વારંવાર મુલાકાત લઈ રહ્યો હોવાથી રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. દરમિયાન રવિવારે એક મોટી હલચલ જોવા મળી હતી. જેમાં મમતા બેનર્જી અને ભાજપના વચ્ચે ખેલનારા ચૂંટણીજંગ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકર સાથે મુલાકાત યોજી હતી. આ ઘટના બાદ તરત જ તેને સમાચારો મીડિયામાં ચમકતા રહ્યા હતા. સૌરવ ગાંગુલી હવે ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો પણ મીડિયાએ વહેતી કરી દીધી છે.
જો કે સૌરવ ગાંગલીએ રાજ્યપાલની મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી છે. બેઠક બાદ રાજ્યપાલે ટ્વિટ કરીને કહ્યું હતુ કે, ‘મેં સૌરવ ગાંગુલી સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. તેમણે મને ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, જે 1864માં બંધાયેલું દેશનું સૌથી જૂનું ક્રિકેટ મેદાન છે. રવિવારે સાંજે લગભગ 4.30 વાગ્યે સૌરવ ગાંગુલી રાજ્યપાલ જગદીપ ધનગરને મળવા ગયા હતા. જે બાદ બંને વચ્ચે એક કલાક સુધી વાતચીત થઈ હતી. જે બાદ રાજ ભવનના સૂત્રોએ ખુલાસો કરતા કહ્યું હતુ કે સૌરવ ગાંગુલી રાજ્યપાલ ધનગરને અંગત કારણોસર મળવા આવ્યો હતો, જેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.
ઉલ્લેખનીય છે કે, આ ઉગાઉ ખુદ સૌરવ ગાંગુલી ઘણી વાર કહી ચૂક્યા છે કે, તેમની પાસે રાજકારણમાં પ્રવેશવા માટે હજી સુધી કોઈ યોજના નથી. બંગાળ ભાજપ સૌરવને પાર્ટીમાં સામેલ કરવા ઘણા સમયથી ઉધામા કરી રહ્યો છે. ભાજપ બંગાળમાં ‘દાદા વિ દીદી’ને લડાવવા માટે રણનીતિ તૈયાર કરી રહ્યો છે. જો સૌરવ માની જાય તો બંગાળમાં ચૂંટણીજંગ વધુ રસપ્રદ બનશે. જો કે, સૌરવને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ખૂબ સારા સંબંધ છે.
સૌરવને બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બનાવવામાં મમતાની ભૂમિકા રહી હતી. અમિત શાહ સાથે સારા સંબંધો હોવાને કારણે જ તે બીસીસીઆઈના અધ્યક્ષ પદ સુધી પહોંચ્યા છે. સૌરવના સીપીએમ (સી)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્ય પ્રધાન અશોક ભટ્ટાચાર્ય સાથે પણ ગાઢ સંબંધ છે. સુત્રોના જણાવ્યા મુજબ સૌરવ દરેક સાથે સારા સંબંધ રાખવા માંગે છે, તેથી તેમણે પોતાને રાજકારણથી દૂર રાખ્યા છે. આવા સંજોગોમાં સૌરવને ભાજપમાં સામેલ કરવાની કવાયત સફળ રહે છે કે કેમ તે તરફ સૌની મીટ મંડાઈ છે.