• Tue. Feb 18th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

અમલસાડ એકમાત્ર રેલવે ફાટક નં.૧૧૧ આગામી મંગળવારથી કાયમી ધોરણે બંધ

રેલવે ઓવરબ્રિજ ઉપરથી પૂર્વ પશ્ચિમમાં અવરજવર કરી શકાશે, પૂર્વ માં ખોડીયાર માતા મંદિર નજીક એલ આકાર માં સાંકળો માર્ગ ટ્રાફિક ભારણ નું કેન્દ્રબિંદુ બની રહેશે

બીલીમોરા, તા.16 અમલસાડ રેલ્વે સ્ટેશને દાયકાઓ થી પૂર્વ પશ્ચિમ આવાગમન માટે ફાટક નં.૧૧૧ ઉપયોગ માં લેવામાં આવતી હતી. રેલવે તંત્રએ ઓવરબ્રિજ નાં નિર્માણ સાથે આગામી તા.૨૧/૧/૨૫ ને મંગળવાર થી કાયમી ધોરણે ફાટક બંધ કરવાની જાહેરાત કરી છે. ત્યારે ઓવરબ્રિજ ને જોડતા પૂર્વ તરફ નાં માર્ગ ઉપર હાઇસ્કુલ મેદાન થી ખોડીયાર માતા મંદિર સુધી ૧૦૦ મીટર લાંબા અને એલ આકાર ધરાવતા સાંકડા માર્ગ ને પહોળો કરવાની જરૂરિયાત વર્તાઈ રહી છે.

રેલવે ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર નિર્માણ ની કામગીરી ને પગલે દોઢેક વર્ષ અગાઉ અંધેશ્વર ફાટક બંધ કરી દેવાઈ હતી. જે બાદ ફાટક નં.૧૧૧ કાર્યરત હતી. રેલવે તંત્રે એ સરીબુજરંગ સ્મશાન ભૂમિ થી અમલસાડ માર્કેટ યાર્ડ સુધી પૂર્વ- પશ્ચિમ ને જોડતો ઓવરબ્રિજ સાકાર કર્યો છે. તે સાથે આગામી મંગળવાર થી મુખ્ય ફાટક નં.૧૧૧ ને કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરાઈ છે. જેને પગલે પૂર્વ અને પશ્ચિમ નાં કુલ ૨૫ જેટલા ગામો નો વાહન વ્યવહાર ઓવરબ્રિજ ઉપરથી પસાર થશે. ત્યારે આ ટ્રાફિક ને સુચારુ કરવા પૂર્વ માં હાઇસ્કુલ મેદાન થી ખોડીયાર મંદિર સુધી ૧૦૦ મીટર લાંબા માર્ગ ને પહોળો કરવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. આ સાંકડા માર્ગ ઉપર એલ આકાર નો વળાંક છે. જ્યાં ટ્રાફિક નું ભારણ વધશે. તદ્ઉપરાંત આ માર્ગ માં માંડ એક દોઢ ફૂટ નીચે પીવાનાં પાણીની ટાંકી ભરવાની અને ડિસ્ટ્રીબ્યુશન લાઈન પસાર થાય છે. જે ભારે વાહનો થી તૂટવાની દહેશત છે. જો લાઈન તૂટશે તો સાડા ચાર હજાર જેટલા લોકો ને અસર પહોંચશે. જે માટે માજી સરપંચ નિલેશ નાયક એ જિલ્લા કલેકટર ને આગોતરી જાણ કરી હતી.

બીલીમોરા થી પનાર સુધીના વાસણ, કોથા, માસા, મોવાસા, સરીબુજરંગ, અંચેલી, ભાગડ, સહિત કાંઠા વિસ્તારનાં ગ્રામજનો ને અમલસાડ, ગણદેવી તરફ અવરજવર કરવા હાલાકી વેઠવી પડશે. એવી જ રીતે ગણદેવી તરફનાં ગામો ને પણ સામી તરફ જવા હાલાકી વેઠવી પડશે. ગણદેવી અને અમલસાડ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે જનાર દર્દીઓ, શાળાના વિદ્યાર્થીઓ, ચીકુ વેપાર અર્થે અમલસાડ સહકારી મંડળીમાં જતા વેપારીઓ અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ સહિતની અન્ય સેવાઓ ખોરંભે ચઢશે. જેને પગલે અમલસાડ હાઇસ્કુલ મેદાન થી ખોડીયાર માતા મંદિર સુધી ની જમીન સંપાદન કરી માર્ગ પહોળો કરવાની જરૂરિયાત વર્તાઈ રહી છે.