વલસાડના ડુંગરી નજીક કુંડી ઓવર બ્રિજ પાસે ગાડીને ઓવરટેક કરવાની નાની એવી વાતને લઈ બોલાચાલી કરતા રીક્ષા ચાલકે ડુંગરી નજીક રોલા ગામના બાઈક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો.

ભાર્ગવકુમાર જીતેન્દ્રભાઈ પટેલ નામના યુવક પર ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ ભાર્ગવકુમારની છાતી પર ચપ્પુ વડે હુમલો કર્યો અને ડાબા હાથની નાની આંગળીમાં ઈજા પહોંચાડી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ ઘાયલ યુવકને મદદ કરી હતી.
ઘટનાની જાણ થતાં ડુંગરી પોલીસ પીઆઈ ઉર્વશી પટેલે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. વલસાડના SP ડૉ. કરનરાજ વાઘેલા અને DySP ભાર્ગવ પંડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. ડુંગરી પોલીસના HC પ્રમોદ શાલીગ્રામને મળેલી માહિતીના આધારે સીસીટીવી ફૂટેજની મદદથી ત્રણેય આરોપીઓને થોડા કલાકોમાં જ પકડી લેવામાં આવ્યા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં રિઝવાન શેખ (35), ઓમર યાસીન શેખ (38) અને વિપુલ ગેમ્બિત (25)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી એક રિક્ષા અને બે મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ ત્રણેય આરોપીઓ સુરતના કોસંબા અને ગણદેવી વિસ્તારમાં 20થી વધુ ગુનામાં સંડોવાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ડુંગરી પોલીસે આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.