સમગ્ર ભારતમાં આજે લોકો ભૌતિક સુખની સગવડો ભોગવતા થયા છે, વિજ્ઞાનના આવિશ્કરોનો ઉપયોગ કરતા થયા છે. પરંતુ આમ છતાં લોકોમાં અંધશ્રદ્ધાનો દબદબો હજી પણ જોવા મળી રહ્યો છે. હાલમાં ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લામાં એક નાગરિકે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદથી અંચબો સર્જાયો છે. કારણ કે, આ વ્યક્તિએ ફરિયાદમાં આરોપી તરીકે કોઈ વ્યક્તિ નહીં પરંતુ ભૂતનું નામ દર્શાવ્યું છે. અરજી બાદ હવે પોલીસે તે અંગે શું કરવું તેની મૂંઝવણ વધી પડી હતી. જો કે, તે પછી તપાસ થઈ તો અરજી કરનાર માનસિક રોગથી પીડિત હોવાનું બહાર આવ્યું હતુ.
મળતી વિગતો પ્રમાણે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલા જોટવડમાં વરસંગ બારીયા અને પરિવારની સાથે રહે છે. મુખ્યત્વે ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વરસંગે જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી જણાવ્યું હતું કે, તેઓ જે સમયે ખેતરમાં કામ કરતા હતા. તે સમયે ભૂતોની ટોળકી તેમની પાસે આવી હતી અને આ ભૂતોની ટોળકીમાં રહેલા બે ભૂતોએ તેમને મારી નાંખવાની ધમકી આપી હતી. વરસંગ બારીયાની આ અરજીને પોલીસે સ્વીકારી હતી. પરંતુ તે પછી અરજીમાં ભૂતનો ઉલ્લેખ આરોપી તરીકે થયો હોવાનું જાણી પોલીસ પોતેજ અચંબામાં પડી ગઈ હતી. કારણ કે, આરોપી ભૂતને શોધવું મુશ્કેલ છે. જો કે, પોલીસે અરજી બાદ તપાસ આરંભી તો જાણવા મળ્યું કે, પોલીસ સ્ટેશનમાં ભૂત સામે અરજી કરનાર વરસંગ બારીયા માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે. આ જ મનોસ્થિતિને કારણે વરસંગે અરજીમાં ભૂત જેવી બાબત વર્ણવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ અરજી આવે તો પોલીસે તેનો સ્વીકાર કરવો પડે છે. તેથી વરસંગની અરજી પણ અમે દફતરે નોંધી હતી. જો કે, તે પછી તપાસ કરવામાં આવી તે સમયે જાણવા માળ્યું કે, અરજદાર માનસિક રોગથી પીડાય છે. આથી પોલીસે તેના પરિવારને માનસિક રોગના તબીબ પાસે વરસંગની સારવાર કરવા સુચન કર્યું હતુ. વરસંગ છેલ્લા 1 વર્ષથી માનસિક રોગથી પીડાઈ રહ્યા છે. વરસંગ બારીયાના પરિવારના સભ્યોનું કહેવું છે કે, પોલીસ સ્ટેશનમાં વરસંગ બારીયાએ પરિવારના સભ્યોની જાણ બહાર અરજી કરી હતી. આ રોગને લઇને તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે માનવતા દાખવીને વરસંગ બારીયાને જરૂરી સારવાર મળી રહે તે માટે ડૉક્ટરનો સંપર્ક કરાવી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.