ભારતના તેલંગણામાં બનેલી એક ઘટનામાં મરઘો આરોપી બન્યો છે. જયારે આ સમગ્ર કેસ હત્યાને લગતો છે. હવે પોલીસે મરઘાની ધરપકડ કરી લીધા બાદ તેને કોર્ટમાં રજૂ કરવા પણ તજવીજ શરૃ કરવામાં આવી છે. તેલંગણાના જગતિયાલની જિલ્લામાં ગત સોમવારે બનેલી એક ઘટનામાં યેલ્લમ્મા મંદિરમાં મરઘાની લડાઇ ચાલી રહી હતી. આ સમયે એક મરઘાએ 45 વર્ષના ટી. સતીષ ઉપર હૂમલો કર્યો હતો. આ સમયે મરઘાના પગ સાથે એક ચાકૂ બાંધેલું હોવાથી તે ચપ્પુ ટી સતીષને વાગ્યું હતું. સતીષ નામના વ્યક્તિના પેટમાં ચપ્પુ વાગતા જ તે લોહીલુહાણ થઈ ગયો હતો. મરઘાઓની ગેરકાયદે લડાઇના ખેલ દરમિયાન ઘટેલી આ ઘટનામાં ઈજા પામેલા સતીષને ત્યાં હાજર લોકો તરત હોસ્પિટલ લઇ ગયા હતા.
જ્યાં ટી સતીષના શરીરની તપાસ કરીને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેલંગણાના આ જગતિયાલ જિલ્લામાં વર્ષોથી ગેરકયાદે આ મરઘાની લડાઈ લડાવાઈ છે. જેમાં રમતનો આનંદ વધુ આવે તે માટે મરઘાના પગમાં ચાકુ બાંધવામાં આવે છે. પરંતુ આ જ રમત હવે કોઈની જીંજગીનો અંત લાવનારી સાબિત થઈ રહી છે. મરઘાની લડાઇ પર તેલંગણામાં સરકારે વર્ષોથી પ્રતિબંધ મુક્યો છે. યેલ્લમ્મા મંદિરની અંદર ગેરકાયદે આ મરઘા લડાઇનું આયોજન કરાયું હતું. તેથી પોલીસે ઘટના બાદ મરઘાને પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હત્યાના આ કેસમાં મરઘો આરોપી હોવાથી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી શરૃ કરી છે. જો કે, આ ઘટનામાં રમતનું આયોજન કરનારા પણ હવે પોલીસ કાર્યવાહીના ચક્કરમાં આવશે તે નિશ્ચિત છે.