ગુજરાતની વિધાનસભામાં શરૃ થયેલા બજેટસત્રમાં સરકાર વિપક્ષના જવાબો આપી રહી છે. બુધવારે એક સવાલનો જવાબ આપતા સરકારે કહ્યું હતુ કે, અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે હજી સરકાર પાસે કોઈ દરખાસ્ત આવી નથી. રાજ્યમાં દારૂના પકડાયેલા મુદ્દામાલ બાબતે પણ સરકારને સવાલ પુછાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા બાબતે સવાલ પુછાયો હતો. જે અંગે સરકારે જણાવ્યું હતુ કે, કોઈપણ ગામ, નગર કે શહેરનું નામ બદલવા માટે પહેલાં સ્થાનિક સ્તરેથી દરખાસ્ત મળવી જરૃરી છે. સરકાર સમક્ષ રજૂઆત થાય પછી કાર્યવાહી આગળ વધતી હોય છે. જયારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટેની કોઈ પણ પ્રકારની દરખાસ્ત અમને મળી નથી.
કોરોનાની મહામારી વચ્ચે દંડની વસૂલાત, રાજ્યમાં કેટલો દારુ પકડાયો અને ગુનાખોરીના પ્રમાણ બાબતે સરકારે રજૂ કરેલો જવાબ ચોંકાવનારો રહ્યો હતો. સરકારે આ સંદર્ભે કહ્યું હતુ કે, રાજ્યમાં બે વર્ષમાં 198.30 કરોડ રૂપિયાનો વિદેશી દારુ પકડાયો છે. જેમાં પોલીસ દ્વારા 3.65 કરોડનો દેશી દારુ અને 13.18 કરોડનો બીયર કબજે કરાયો છે. રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ પણ ઉંચે જઈ રહ્યાનું સરકારે રજૂ કરેલા જવાબ પરથી સ્પષ્ટ થયું છે. દરરોજ 3 હત્યા, 30 ચોરી, 2 લૂંટ અને બળાત્કારની 4 ઘટના ઘટી રહી છે. ગત બે વર્ષમાં હત્યાના પ્રયાસની 1,853 ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
જયારે આ જ સમયમાં રાયોટીંગના 2,589 જેટલા ગુના નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં એક વર્ષણાં 68.60 કરોડ રૂપિયાનો ગાંજો અને ડ્રગ્સને પણ કબજે કરાયું છે. રાજ્ય સરકારની આ કબૂલાત બાદ એટલું સ્પષ્ટ થયું છે કે, 2019 કરતા 2020માં દારૂનો વધારે જથ્થો ઝડપાયો છે. માસ્કના દંડની વસૂલાત બાબતે સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 26.36 કરોડ અને ગ્રામ્યમાં 1.98 કરોડનો દંડ વસૂલાયો છે. એ જ રીતે ખેડા જિલ્લામાં 8 કરોડ વસુલાયા છે. હિટ એન્ડ રનની 373 ઘટનામાં 217 લોકોના મોત થયા છે. ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી થતી હોવાનો દાવો સરકારે સરકારે ખનીજચોરો પાસેથી 1,946 કરોડ રૂપિયાની વસૂલાત કરવાની બાકી હોવાનું પણ જણાવ્યું હતુ.