ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે સરકાર અને આરોગ્ય વિભાગ વેકસીનેશન પર ભાર મુકી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી કોરોનામાં સપડાયા બાદ સાજા થયેલા દર્દીઓમાંથી અનેકમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછી હોવાના તારણો બહાર આવી રહ્યા છે. તાજેતરમાં તબીબોના અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે, વાયરલ ઈન્ફેક્શનમાં પ્લેટલેટ્સનું ઓછું થવું સામાન્ય બાબત છે. પરંતુ મોટાભાગના કેસોમાં સંક્રમણ ઓછું થતા જ પ્લેટલેટ્સ સામાન્ય સ્તરે પહોંચી ગયાનું બહાર આવ્યું છે. કોરોનાને માત આપ્યા બાદ કેટલાક દર્દીઓમાં અઠવાડિયા સુધી પ્લેટલેટ્સની સંખ્યા ઓછી નોંધાઈ છે.
આ કેસોમાં પ્લેટલેટ્સનું ઓછું થવાનું પ્રમાણ સામાન્ય હતુ, આમ છતાં તેને નજરઅંદાજ કરી શકાય નથી. આ માટે હવે મેડિકલ ઈન્ટરવેન્શનની આવ્યકતા નથી. ઘણા ઓછા પ્લેટલેટ્સ કાઉન્ટવાળા દર્દીઓના એવા દુર્લભ કેસો સામે આવ્યા છે જેમને સારવારની આવશ્યકતા પડી હતી. મેક્સ હોસ્પિટલ, સાકેતમાં ઈન્ટરનલ મેડિસિનના ડાયરેક્ટર ડૉ. રોમેલ ટિક્કુ કહે છે કે, લોહીમાં સામાન્ય પ્લેટલેટ્સની સંખ્યા 150000થી 400000 પ્રતિ માઈક્રોલીટર સુધીની હોય છે. કોરોનાથી રિકવર થઈ રહેલા વ્યક્તિઓમાં લગભગ 20 ટકામાં પ્લેટલેટ્સની સંખ્યા 100000થી 150000ની વચ્ચે જોવા મળી છે. જે આવશ્યકતા કરતા ઓછી છે. પરંતુ તેના માટે કોઈ ઈલાજની જરૂર નથી.
જ્યારે પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટીને 50000 અથવા તેનાથી ઓછા થઈ જાય અથવા પેઢામાંથી અથવા નાકમાંથી લોહી વહેતું હોય ત્યારે જ તમારે સારવાર માટે તબીબોની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત સર ગંગા રામ હોસ્પિટલના ડૉ. અતુલ ગોગિયા આ અંગે કહે છે કે, અમે હાલમાં જ પ્રતિ માઈક્રોલીટર લોહીમાં એકદમ ઓછા 10000-20000 પ્લેટલેટ્સની સાથે ત્રણ એવા નાગરિકોને જોયા છે જેઓ કોરોનાને માત આપી થોડા સમય પહેલાં જ સારા થયા હતા.