• Sat. Dec 7th, 2024

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

ઓસ્ટ્રેલિયા સામે જો ભારતીય ટીમનું પ્રદર્શન નબળું રહ્યું તો ગૌતમ ગંભીરને લઇને બીસીસીઆઇ કરશે મોટો નિર્ણય

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમને તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને 24 વર્ષ કોઇ વિદેશી ટીમે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં સ્વિપ કર્યું હતું. આ પહેલા વર્ષ 2000માં તેને દક્ષિણ આફ્રિકાના હાથે બે મેચની શ્રેણીમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં તે 22 નવેમ્બરથી યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ પણ આ ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ 4-0થી જીતી લે છે તો તે ચોક્કસપણે ફાઈનલમાં પહોંચી જશે. જો કે, આ કરવું સરળ રહેશે નહીં. ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.

ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લિટમસ ટેસ્ટ થશે. જોકે, ન્યુઝીલેન્ડ સામેની કારમી હાર બાદ ગૌતમ ગંભીર પર સવાલો ઉઠી રહ્યા છે. ગંભીરે લગભગ ચાર મહિના પહેલા મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું. પરંતુ તેમના કોચિંગ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રથમ પ્રવાસમાં વનડે શ્રેણી હારી ગઈ હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડ સામે શરમજનક હાર થઈ હતી. હવે ગૌતમ ગંભીરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

જો ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહેશે તો ગંભીરને ટેસ્ટ ક્રિકેટમાં મુખ્ય કોચના પદ પરથી હટાવી દેવામાં આવશે. ગંભીર હાલમાં ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો મુખ્ય કોચ છે. એક દૈનિક અખબારના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે સફેદ બોલ (ODI, T20) અને રેડ બોલ ક્રિકેટ (ટેસ્ટ મેચ) માટે અલગ-અલગ કોચની નિમણૂક કરવા પર વિચાર કરી રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં VVS લક્ષ્મણ જેવા અનુભવી ખેલાડીને મુખ્ય કોચ બનાવી શકાય છે, જ્યારે ગૌતમ ગંભીર સફેદ બોલની ટીમના મુખ્ય કોચ બની શકે છે.

બીજી તરફ ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ન્યૂઝીલેન્ડ સામેની કારમી હાર બાદ બીસીસીઆઈ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેપ્ટન રોહિત શર્માની સાથે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ ગંભીર, BCCI સચિવ જય શાહ અને પ્રમુખ રોજર બિન્ની પણ હાજર હતા. ન્યૂઝીલેન્ડ શ્રેણી દરમિયાન ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગંભીરની કોચિંગ સ્ટાઈલ વિશે પણ ચર્ચા થઈ હતી, જે અગાઉના મુખ્ય કોચ રાહુલ દ્રવિડથી ઘણી અલગ છે.