• Sat. Dec 7th, 2024

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

BGT 2024-25 : ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં જ સૌથી મોટી હાર આપી ભારતે રચ્યો ઇતિહાસ

જસપ્રીત બુમરાહની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ પર્થમાં ઈતિહાસ રચ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઈન્ડિયાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ દાવમાં 150 રન બનાવનાર ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ પોતાની બીજી ઈનિંગ 487/6 રનના સ્કોર પર ડિકલેર કરી અને ઓસ્ટ્રેલિયાને 534 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો. આ પહાડ જેવા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ બીજા દાવમાં માત્ર 238 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં 295 રનથી હરાવીને મોટો ઈતિહાસ રચ્યો છે.

https://twitter.com/BCCI/status/1860966801154408827

ઓસ્ટ્રેલિયાની ધરતી પર રનના મામલે ભારતીય ટીમની આ સૌથી મોટી ટેસ્ટ જીત છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 1977માં મેલબોર્નમાં રમાયેલી ટેસ્ટ મેચ 222 રને જીતી હતી. હવે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં તેની સૌથી મોટી હારનું દર્દ આપ્યું છે. એટલું જ નહીં, ભારતે WACA એટલે કે પર્થમાં સૌથી મોટી ટેસ્ટ જીતનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 2008માં અહીં 72 રનથી સૌથી મોટી જીત નોંધાવી હતી. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે જીતનો સ્વાદ ચાખનારી ભારત પ્રથમ ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયા 2018થી આ મેદાન પર ટેસ્ટ મેચ રમી રહ્યું છે અને સતત 4 જીત બાદ તેને અહીં હારનો સામનો કરવો પડ્યો છે.

https://twitter.com/BCCI/status/1860960643920298156

ટેસ્ટના પ્રથમ દાવમાં 150 કે તેથી ઓછા રનમાં ઓલઆઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા હવે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાને હરાવનારી વિશ્વની ત્રીજી ટીમ બની ગઈ છે. આ પહેલા માત્ર ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડે જ આ સિદ્ધિ મેળવી હતી. હવે ટીમ ઈન્ડિયાએ પણ આ ખાસ ક્લબમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં કુલ આઠ વિકેટ ખેરવનાર કેપ્ટન જસપ્રિત બુમરાહ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.