• Mon. Nov 4th, 2024

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

એક સમયે ભારતીય ટીમનો સ્ટાર ઓપનરને હવે મુંબઈ ટીમમાંથી પણ તગેડી મુકાયો, જાણો કારણ

લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા પૃથ્વી શૉનો ખરાબ સમય સમાપ્ત થઈ રહ્યો નથી. એક સમયે ભારતીય ટીમનો સ્ટાર માનવામાં આવતો શૉ એવો તો મુસીબતમાં છે કે હવે તે સ્થાનિક ક્રિકેટમાં મુંબઈની ટીમમાંથી પણ બહાર થઈ ગયો છે. 24 વર્ષીય જમણા હાથના બેટ્સમેનને તેના વધતા વજનના કારણે પસંદગીકારોએ મુંબઈની ટીમમાં પસંદ કર્યો ન હતો.

વર્તમાન રણજી સિઝનમાં, મુંબઈ તેની આગામી મેચ ત્રિપુરા સામે 26 ઓક્ટોબરથી અગરતલામાં રમવાની છે. અહેવાલ છે કે પૃથ્વી શૉની ફિટનેસ ખરાબ હોવાને કારણે ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. અહેવાલ મુજબ, પસંદગીકારોએ પૃથ્વી શૉને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના ટ્રેનર્સ દ્વારા બે અઠવાડિયા માટે તૈયાર કરેલા ફિટનેસ પ્રોગ્રામને અનુસરવા માટે કહ્યું છે. ટીમ મેનેજમેન્ટે એમસીએને આપેલા તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે પૃથ્વી શૉના શરીરમાં 35 ટકા ચરબી છે અને ટીમમાં પાછા આવતા પહેલા તેને સખત તાલીમની જરૂર છે.

પૃથ્વી શૉએ અત્યાર સુધી વર્તમાન રણજી ટ્રોફી સિઝનની બે મેચની ચાર ઇનિંગ્સમાં અનુક્રમે 7,12, 1 અને 39 રન બનાવ્યા છે. એમસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘તેને પડતો મૂકવામાં આવ્યો છે અને પૃથ્વીને ફરીથી ટીમમાં પસંદ થતા પહેલા તાલીમ અને વજન ઘટાડવાની જરૂર છે.’ દરમિયાન અજિંક્ય રહાણે ત્રિપુરા સામેની મેચમાં મુંબઈની ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે. શ્રેયસ અય્યર અને શાર્દુલ ઠાકુર પણ મેચ રમશે જ્યારે સૂર્યકુમાર યાદવ અંગત કારણોસર આ મેચમાંથી બહાર છે.