ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને કારણે રાજ્યના એસટી નિગમે ફરી અનેક રુટો બંધ કરવા સાથે રાત્રિ રોકાણ કરતી બસ પણ બંધ રાખી હતી. જયારે હવે કોરોનાની બીજી લહેર ખતમ થઈ ગઈ છે. તેથી એસટી નિગમ પણ તબક્કાવાર રીતે વિવિધ રુટો ચાલું કરી રહ્યું છે. સોમવારે તો રાજ્યમાં કોરોનાનાં માત્ર 96 કેસ નોંધાયા હતા. આમ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયાનું જણાતા એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોનાની બીજી લહેરને કારણે રુપાણી સરકારે નાઈટ કરફ્યૂ સહિતના પ્રતિબંધો લગાવ્યા હતા. જેને જોતાં એસટી વિભાગ દ્વારા પણ નાઈટ કરફ્યૂમાં બસો નહીં દોડાવવાનો નિર્ણય કર્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી ગુજરાત રાજ્ય એસટી નિગમે તેના તેની બસને રાત્રિ સમયે બંધ રાખી હતી. એટલે કે રાત્રિ રોકાણ કરતી બસને પણ બંધ રાખી હતી. આ તમામ બસને હવે નાઈટ કર્ફ્યૂમાંથી મુક્તિ મળતા શરુ કરવાનો નિર્ણય કરાયો છે. હવે નાઈટ કરફ્યૂમાં પણ એસટી બસો દોડતી થઈ જતા મુસાફર જનતાને મોટી રાહત થશે. આ ઉપરાંત અગાઉ એસ.ટી. વિભાગના તમામ કર્મચારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લેવાની સૂચના આપવામાં આવી હતી. કોરોના કાળમાં એસટી વિભાગના 2 હજારથી પણ વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. અને તેમાંથી 100થી વધુ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે.
લગભગ એકાદ બે દિવસમાં રાજ્યમાં ફરીથી એસટી બસ સેવા પૂર્વવત થઈ જશે. રાજ્યમાં હાલમાં 75 ટકાની કેપિસિટી સાથે એસટી બસો દોડાવવામાં આવી રહી છે. એસટી વિભાગના નવા નિર્ણયનો અમલ મંગળવારથઈ શરુ થઈ જશે. આ સાથે જ શહેરોમાં નાઈટ કરફ્યૂ દરમિયાન પણ એસટી બસ પ્રવેશી શકશે. હાલમાં રાજ્યમાં 18 શહેરોમાં નાઈટ કરફ્યૂ સહિતના પ્રતિબંધો અમલી છે.