ગુજરાત સરકારે બીજી સપ્ટેમ્બરથી ધોરણ ૬થી ૮માં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા શાળાઓને મંજૂરી આપી દીધી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે જાહેરાત કરતા કહ્યું હતું કે, કોરોના ચેપ નિયંત્રણમાં આવતા હવે ચુસ્ત પાલન સાથે આગામી સપ્તાહે ૩૦ હજાર શાળાઓમાં ૫૦ ટકા કેપેસિટીમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા પરવાગની આપવામાં આવી છે. સૂત્રો દ્વારા જાણવા મળે છે કે ઊપલા વર્ગોમાં ઓફલાઈન શિક્ષણની પરવાનગી બાદ ઓકટોબરમાં નવરાત્રિના તહેવાર બાદ ધોરણ ૧થી 5 માટે પણ શિક્ષણ શરૂ કરવા સરકારમાં વિચારણા ચાલી રહી છે. યુપી, પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિતના અનેક રાજયોમાં પહેલાથી જ પ્રાથમિક શાળાઓ ખૂલી ગઈ છે.
જેની આશંકા સેવાઇ રહી છે એવી થર્ડ વેવ પહેલા ગુજરાતમાં ૧૮ કે તેથી વધુ વયજૂથના ૪.૩૦ કરોડ જેટલા નાગરિકોનું વેકિસનેશન થયું છે. એકાદ મહિનામાં ૧૨થી ૧૮ વર્ષના બાળકો માટે પણ વેકિસનેશન શરૂ થવાની શકયતાઓ વચ્ચે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહે મહામારીની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ બાદ પાંચમા ધોરણથી નીચેના કલાસરૂમ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાશે.