કોરોના વાયરસના કેર બાદ દુનિયાને વેકસીનેશનનું મહત્વ સમજાય રહ્યું છે. હાલ પણ અનેક દેશમાં વેકસીનેશન ચાલી રહ્યું છે. આવા સમયે તમને સુપરહીરો બનાવી શકે તેવી વેકસીન શોધી કઢાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. જો કે વેકસીનથી તમે સુપરમેન કે અન્ય સુપરહીરોની જેમ સ્પેશિયલ પાવરવાળા બનશો નહીં પરંતુ આ વેકસીન લીધી હોય તો તમને બીમારીઓ નહીં થાય અથવા તો ખુબ જ ઓછી બીમારીઓનો તમે શિકાર થશો તેમ જેનેટિક્સના એક પ્રોફેસરે જણાવ્યું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જેનેટિક્સના પ્રોફેસરે યુઆન એશ્લેએ કહ્યું હતુ કે, જિનોમિક મેડિસિન અંગે ઘણાં વર્ષોથી સંશોધન ચાલી રહ્યું છે. પરંતુ હવે અત્યાધુનિક ટેકનિકથી વેક્સિન બનાવી શકાય છે. જેને લગાવ્યા બાદ માણસ બીમારીઓથી લડવામાં સુપરહીરો બની જશે. ભવિષ્યમાં સુપર વેક્સિન આવશે કે જે તમને અલ્ઝાઈમર્સ અને હૃદય સંબંધી બીમારીઓથી મુક્તિ અપાવશે. આ વેક્સિન અનેક જીવલેણ બીમારીઓથી માણસોને રક્ષણ આપશે. એટલે માણસ લાંબી ઉમર સુધી જીવી શકશે અને તેને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે. આ બાબત મેડિકલ ટ્રીટમેન્ટની દુનિયામાં એક ચમત્કારથી ઓછું નથી.
આ માટે કોઈ ઓલિમ્પિક એથ્લિટના શરીરથી આદર્શ કોશિકાઓનો ઉપયોગ કરાશે. સામાન્ય રીતે કોઈપણ સામાન્ય માણસ કરતાં એથ્લિટના શરીરની કોશિકાઓ વધારે મજબૂત હોય છે. સાથે જ તેનો ઈમ્યુનિટી પાવર પણ વધારે હોય છે. ભવિષ્યમાં જેનેટિક એન્જિનિયરિંગને કારણે માણસોના શરીરના જીન્સને રિપેર કરી શકાશે. બદલી શકાશે કે પછી ડીએનએ બદલી શકાશે. આ પ્રક્રિયાને કારણે માણસોમાં બીમારીઓ ઓછી થશે અને પછી તે જીવનભર માટે ખતરનાક બીમારીઓથી ઈમ્યુન થઈ જશે. હાલમાં જ એક ટેસ્ટમાં CRISPER ટેકનિકને કારણે લિવર સંબંધી એક ખતરનાક બીમારી ઠીક થઈ ગઈ હતી. જેને કારણે લિવરમાં મ્યુટેશન કરી રહેલા એક જીનને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો. સુપરહીરો વેક્સિન આવ્યા બાદ અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાશે. કેમ કે તેમાં એવા જેનેટિક ફેરફાર કરી શકાશે જે શરીરને નુકસાન પહોંચાડનાર વાયરસ, બેક્ટેરિયા, જીન્સને નિષ્ક્રિય કરી સ્વસ્થ માહોલ બનાવી દેશે. શરીરમાં વાયરસ કે બેક્ટેરિયાનું મ્યુટેશન રહે તો પણ આ જેનેટિક સુપરહીરો વેક્સિન તેને નિષ્ક્રિય કરી દેશે. પ્રોફેસરે યુઆન એશ્લેએ વધુમાં જણાવ્યું હતુ કે, આ વેક્સિન આવતાં લગભગ 10થી 15 વર્ષ લાગશે. કેમ કે, જેનેટિક એડિટિંગ માટે હાલની ટેકનિક CRISPERને લઈને ખુબ જ ફેરફાર થયા છે.