કોરોના કાળે દુનિયાના કરોડો લોકોની જીંદગી બદલી નાંખી છે. દરરોજ સરકારના નવા નવા ફતવા અને ચીવવસ્તુના ભાવ વધારા સામે આવકમાં ઘટાડાથી લોકોની મુશ્કેલી વધી રહી છે. હાલમાં ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સે ભારતમાંથી પોતાનો ધંધો સંકેલવા કવાયત હાથ ધરી છે. પટેલ ટ્રાવેલ્સે અત્યાર સુધીમાં 50 બસનું વેચાણ કરી દેવાયું છે. આ સ્થિતિ ઈંધણના ભાવોમાં થયેલો વધારો તથા સરકારના કેટલાક નિયમોને કારણે સર્જાઈ હોવાનું પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી પટેલે કહ્યું હતુ. મેઘજી પટેલે વધુમાં કહ્યું હતુ કે, કોરોનાને કારણે સરકાર દરરોજ નવી નવી ગાઈડલાઈન બહાર પાડે છે. પાંચ મહિના સુધી ટ્રાવેલ્સનો ધંધો સદંતર ઠપ રહ્યો હતો. જે બાદ થોડી છુટછાટ અપાઈ હતી. હાલ બસમાં 75% બેઠક ભરીને બસ ચલાવવાની મંજૂરી અપાઈ છે.
અમારી પાસે જે વાહનમાં 36 સીટ કે, 41 સીટની વહન ક્ષમતા છે. આવા સંજોગોમાં અમારે 75% ગાઈડલાઈનનું પાલન કરીને વાહન દોડાવવાનું હોય તો તે કેવી રીતે ધંધો કરવો એ એક મોટી સમસ્યા છે. બીજી તરફ ઈંધણના ભાવમાં અસહ્ય વધારો થયો છે. તેથી ભાડા વધારવા પડે તેમ છે, તેથી તેનો સીધો બોજ પેસેન્જરના માથે પડશે. મેઘજી પટેલે વધુમાં કહ્યું હતુ કે, હું ઘણા સમયથી આ સ્થિતિ પર નજર રાખી રહ્યો છું. અમે ઘણા સમયથી રાજ્ય સરકાર સમક્ષ અમારી રજૂઆતો મુકી છે. પરંતુ અમારી રજૂઆતોને ધ્યાનમાં લેવાઈ નથી. સરકાર જમીની હકીકતને નજરઅંદાજ કરીને નિર્ણયો કરી રહી છે. અમને સરકાર સાથે કઈ વાંધો નથી. પણ વાસ્તવિકતા ભયંકર છે. હાલમાં જ નિયમોમાં વયોલેશનના ગુનાને નામે કાર્યવાહી થાય છે. હું દંડ ભરવા માટે તૈયાર હોવ તો મારું વાહન જ્યાં રજીસ્ટર છે તે RTOમાં ભરાઈ જવો જોઈએ. પરંતુ સરકારે હવે જે તે સ્થળે જઈને જ દંડ ભરવાની જોગવાઈ કરી છે.
એટલે કે, મારુ વાહન અન્ય રાજ્યમાં છે, ત્યાં તે કોઈ આ ગુનો કરે છે તો મારે ફરજિયાત પૈસા ખર્ચીને તે રાજ્યમાં જઈને દંડ ભરવો પડે તેવી જોગવાઈ છે. આ વાત વાજબી નથી. અમારું ભાડું 80 હજાર છે અને આવવા જવાનો ખર્ચ બીજો 20 હજાર લાગી જાય છે. અમે વારંવાર રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને આ વિશે રજૂઆત કરી ચૂક્યા છે. પણ સરકારે પ્રતિસાદ આપ્યો નથી. હવે આ પરિસ્થિતિમાં અમે ધંધો કરી શકીએ તેમ નથી. અત્યાર સુધીમાં 50 જેટલા વાહનો વેંચી નાંખ્યા છે. અન્ય વાહનો વેંચવા માટેની પ્રોસેસ ચાલુ છે. હવે આ ધંધો બંધ કરીને બીજા ધંધામા જોતરાઈ જઈશું.