ચીન સતત દુનિયાના અન્ય દેશો કરતા કઈક અલગ જ કરતું રહે છે. કોઈ પણ ક્ષેત્રમાં ચીનના લોકોની હરકતોનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ હોય છે. હાલમાં ચીનની એક સ્પર્મ બેંકે વિદ્યાર્થીઓ માટે યોજેલી સ્પર્ધા ચર્ચાનું કેન્દ્ર બની છે. શાંઘાઈની હ્યુમન સ્પર્મ બેંક દ્વારા આયોજિત સ્પર્ધામાં ભાગ લેનારા માટે કેટલાક નિયમો રખાયા હતા. જેમાં સ્પર્ધકની ઉંમર 20થી 45 વર્ષની હોવા ઉપરાંત તે વિદ્યાર્થી હોવા આવશ્યક હતું. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થી ચીની નાગરિક હોવો જોઈએ અને શાંઘાઈમાં રહેતો હોવો જોઈએ તેવી પણ એક શરત રખાઈ હતી. આ ઉપરાંત સ્પર્ધકની ઊંચાઈ ઓછામાં ઓછી 5 ફૂટ 5 ઈંચ હોવું અનિવાર્ય હતુ અને તેણે કોલેજ લેવલનો અભ્યાસ કર્યો હોવો જોઈએ. જે લોકોને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો અને જિનેટિક રોગો હોય, તેઓને સ્પર્ધા માટે લાયક ગણવામાં આવ્યા ન હતા.
તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ સ્પર્ધા થકી બેંક તે જાણવા માંગતી હતી કે, કોનું સ્પર્મ સૌથી વધારે પ્રોડક્ટિવ છે અને સૌથી સુંદર છે. જો કે, શાંઘાઈની હ્યુમન સ્પર્મ બેંકે આ સ્પર્ધાના માધ્યમથી ડોનર્સ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ચીનની એક સ્પર્મ બેંકે કોલેજના વિદ્યાર્થીઓ માટે યોજેલી આ સ્પર્ધામાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 12 જુલાઈએ શરૂ થયેલી સ્પર્ધા માટે શાંઘાઈના 20થી 45 વર્ષના વિદ્યાર્થીઓએ કોઈ પૈસા ચુકવવાના ન હતા. જો કે, આ સ્પર્ધામાં વિજેતા માટે કોઈ ઈનામ પણ રખાયું ન હતુ. પરંતુ સ્પર્ધામાં જેના સ્પર્મ સારા નીકળે તેમની સાથે ડોનર તરીકેનો કરાર કરવા નિર્ણય કરાયો હતો. ભવિષ્યમાં તેઓ સ્પર્મ ડોનેશન કરે ત્યારે તેમને રૂપિયા આપવાની બાયંધરી આ સ્પર્ધાને અંતે આપવામાં આવનાર છે. રેન્જી હોસ્પિટલના ફર્ટિલિટી સેન્ટરના ઈન્ચાર્જ ચેન શિઆંગફેંગે સ્પર્ધા અંગે દાવો કર્યો હતો કે, કોલેજના ઘણા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. જો કે, આ તમામ સ્પર્ધકોની માહિતીને જાહેર કરાશે નહીં.