રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ઓડિશાના પસંદગીના વિદ્યાર્થીઓને વંદે ભારત ટ્રેનમાં મફત મુસાફરી કરવાની તક આપવામાં આવશે. સરસ્વતી વિદ્યા મંદિરના 50 વિદ્યાર્થીઓને સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવશે, જેમને વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવાનો મોકો મળશે. મંત્રીએ કટકમાં સરસ્વતી વિદ્યા મંદિર શાળાના નિર્માણ પહેલા ભૂમિપૂજન દરમિયાન આ જાહેરાત કરી હતી.
અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું, ‘જ્યારે વિદ્યાર્થીઓએ વંદે ભારત ટ્રેન જોઈ, ત્યારે તેમનામાં તેમાં મુસાફરી કરવા માટે ઉત્સુકતા જાગી. આ કિસ્સામાં સ્પર્ધા દ્વારા 50 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. તેમને ટ્રેનમાં મુસાફરી કરવાનો મોકો આપવામાં આવશે.પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે 18 મેના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુરીથી હાવડા વચ્ચે વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું.
મંત્રી અશ્વિની વૈષ્ણવે ભુવનેશ્વર રેલ્વે સ્ટેશન પર વિકાસ કાર્યોની સમીક્ષા કરી અને તેના પર સંતોષ વ્યક્ત કર્યો. તેમણે એક દિવસ પહેલા કહ્યું હતું કે, ‘ગર્વની વાત છે કે પ્રતિષ્ઠિત ભુવનેશ્વર રાજધાની ટ્રેનને આવતીકાલથી નવી ‘તેજસ’ રેક મળશે. મુસાફરોને વધુ સારી સુવિધા આપવાનું પીએમ મોદીનું વિઝન છે. હું આવતીકાલે ભુવનેશ્વર રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈશ અને નિરીક્ષણ કરીશ.”
અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીમાંથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો, જેમાં ઓડિશાના કુલ 25 સ્ટેશનોનો સમાવેશ થાય છે. ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ અથવા રાજ્યપાલો પણ પોતપોતાના રાજ્યોમાંથી શિલાન્યાસ સમારોહમાં હાજર રહ્યા હતા.