આઠ મહિનાથી ભારત સાથે એલએસી વિવાદને કારણે સતત સંઘર્ષ કરી રહેલું ચીન સુધરે તેમ નથી. ભારત સાથે કુટનૈતીક સ્તરે વાર્તાનુ નાટક કરવા ચીને લદાખ નજીકના તેના ગામોમાં ફરી સૈન્યનો કાફલો ખડકી દીધો છે. હાલમાં પહાડી વિસ્તારોમાં શિયાળાની કાતિલ ઠંડી અન બરફ વર્ષા થઈ રહી છે તેવા સમયે ચીનની આ હરકત મૌસમનો લાભ લઈ એલએસી પર ફરી સ્થિતિ તંગ કરી શકે છે. ચીની સેના પહેલાં તેના પશુપાલકો પાસે ઘૂસણખોરી કરાવ્યા બાદ તે વિસ્તારમાં દાવો કરાય છે. તે પછી સૈન્ય પોતે ઘર્ષણમાં ઉતરે છે. લદ્દાખના ચુશુલના કાઉન્સિલર કોનચોક સ્ટાઝિને ચીની સેનાની હરકત વિશે કહ્યું હતુ કે, અગાઉ લદ્દાખના સરહદી ગામોમાંથી ચીન વિસ્તારમાં સેનાનો જમાવડો અને માળખાકીય સુવિધા દેખાતી ન હતી. પરંતુ હવે લદ્દાખના ગામોમાંથી ચીન સૈનાની તમામ હરકતોને સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
એલએસી પાસે સૈન્યના જવાનોની સંખ્યા વધારવા સાથે જ ચીન તેની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. ચીની સેનાએ ફિંગર એરિયામાં કબજો જમાવી દીધો છે. જો એરિયલ સરવે કરાય તો ફિંગર ટુ સુધી ચીની સેના જોઇ શકાય છે. ચુશુલ, મેરાક અને ખાકતેડમાં સરહદી ગામો નજીક સ્થાનિક લોકોએ છેલ્લાં પાંચ દિવસમાં અહીં મોટી સંખ્યામાં ચીની ટેન્ટ, બંકરો અને વાહનો જોયાં છે. સ્ટેનઝિને મીડિયાને જણાવ્યું હતું કે, પેંગોંગ ત્સો લેક નજીકના ગામોમાં રહેતા પશુપાલકો હવે મોટી સંખ્યામાં સેનાઓની તૈનાતીને કારણે તેમના પશુઓને ચરાવવા જતા ડર અનુભવે છે. જ્યારે અમે અમારા ઘોડા અને પોર્ટરને પણ લઇ જઇ શક્તાં નથી. સાઉથ પેંગોંગના બ્લેક ટોપ ખાતે 2018માં ચીની સાઇડ પર ફક્ત એક કેમેરા રહેતો હતો. પરંતુ હવે અમે ત્યાં ચીની વાહનો અને સૈન્યની ટેન્ટ જોઇ શકીએ છીએ. સ્ટેનઝિને જણાવ્યું હતું કે, ડેપસાંગ પ્લેઇન્સ, ગાલવાન, ગોગરા હોટ સ્પ્રિંગ અને પેંગોંગ લેકના દક્ષિણ કિનારા પર પણ ચીની સેનાના જવાનો મોટી સંખ્યામાં ખડકી દેવાયા છે. અન્ય વિસ્તારોમાં ચીની સેના તેના વાહનો દ્વારા પહોંચી શકે છે.
ચીની સેના એલએસી પર ભારતીના વિસ્તારમા સૌથી પહેલાં તેના પશુપાલકો પાસે ઘૂસણખોરી કરાવે છે. તેઓ પોતાના પશુઓ સાથે આ વિસ્તારમાં ડેરા નાખે અને પછી તે વિસ્તાર પર દાવો ઠોકી દે છે. જ્યારે અમારે પશુ ચરાવવા માટે ભારતના હોવાથી મંજૂરી લેવી પડે છે. અમારા આઇ-કાર્ડની તપાસ થાય અને પશુની ગણતરી પણ કરાય છે. કેટલીક વાર તો ભારતીય સેના દ્વારા પશુ ચરાવવાની મંજૂરી પણ અપાતી નથી. મે 2018થી ચીની સેના ભારતીય પ્રદેશમાં સતત ઘૂસણખોરી કરવા માંડી છે. અમે કેન્દ્રીય સંરક્ષણ મંત્રીને ફિંગર એરિયામાં પશુ ચરાવવાની મંજૂરી આપવા રજૂઆત કરી ચુક્યા છે.