સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ખાતે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને બાદમાં તેની હત્યા કરાતા ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાથી આહત પામેલા પિતાએ પણ એસિડ ગટગટાવી લઈને આપઘાત કરી લીધો હતો. એક જ પરિવારમાં બનેલી આ બે દુખદ ઘટનાથી સમગ્ર પ્રદેશમાં ભારે અરેરાટી ફેલાવા સાથે ચકચાર મચી ગઈ હતી. પિતા અને પુત્રીની અંતિમયાત્રા સાથે નીકળતા નરોલી આખુ શોકમગ્ન થઈ ગયું હતુ. શુક્રવારે સાંજે નરોલીની આશાપુરા સોસાયટીમાં રહેતો સંતોષ બીટ્ટુ રજત (ઉં.વ.30)એ તેના ઘર નજીક રહેતી 4 વર્ષની માસૂમ બાળકીને પોતાના રૃમમાં ખેંચી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ. જે બાદ આ બાળકીનો અવાજ કોઈ સાંભળે નહીં તે માટે ઘરના દરવાજાને બંધ કરી દીધો હતો. દરમિયાન બાળકી તેના હાથમાંથી જમીન પર પટકાતા બેહોશ થઇ ગઈ હતી. ત્યારબાદ તેણે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આટલું ઓછુ હોય તેમ સંતોષે હથિયાર વડે બાળકીનું ગળું કાપી નાંખ્યું હતું. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા સંતોષે બાળકીને એક થેલામાં ભરી રૂમમાં છુપાવી દીધી હતી. જો કે, માસૂમ બાળકીની શોધખોળ દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડી માસૂમ બાળકીની લાશને પણ શોધી કાઢી હતી. આ ઘટનાથી સમગ્ર દાનહમાં ચકચાર મચી ગઈ હતી. જયારે બાળકીના પિતા આ ઘટનાથી હતપ્રભ થઈ ગયા હતા.
બાળકીની લાશને પીએમ માટે લઈ જવાઈ રહી હતી એ સમયે શોકાતૂર પિતાએ રસ્તામાં દુકાન બહાર મૂકેલું એસિડ પી ગટગટાવી લીધું હતુ. તેથી તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં તેમણે શનિવારે વહેલી સવારે દમ તોડ્યો હતો. શનિવારે સાંજે 4 વાગ્યે જ્યારે પિતા અને પુત્રીનો મૃતદેહ સોસાયટીમાં લવાયો હતો. આ સમયે ઉપસ્થિત લોકોની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી હતી. મૃતક બાળકીના પરિવારમાં 20 દિવસ અગાઉ જ એક બાળકનો જન્મ થયો હતો. પત્નીને ઓપરેશન દ્વારા બાળક થયું હતું. એક તરફ ઘરમાં છોકરાનો જન્મ થયો હોવાની ખુશીનો માહોલ હતો. ત્યાં બીજી તરફ પરિવારમાં માસૂમ બાળકી અને તેના પિતાના મોતની ઘટનાએ ભારે કરુણાંતિકા સર્જી હતી.