નવસારી જીલ્લાના ચીખલી પોલીસ પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓએ પંખા સાથે ફાંસો ખાઇને મોતને વ્હાલું કર્યું હોવાનું જાણવા મળે છે. જો કે એવી પણ શંકા છે કે બંનેને ખૂબ માર મારતાં મોત પણ થયું હોય. બેના શંકાસ્પદ મોતને પગલે જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. પ્રાથમિક માહિતી મુજબ મિલકત સબંધિત એક ગુનામાં ડાંગ જીલ્લાના વઘઇ તાલુકાના બે શંકમંદ આરોપીને ચીખલી પોલીસ ગઈ કાલે પોલીસ મથકે લઇ આવી હતી. આજે સવારે પાંચ વાગ્યાથી 8 વાગ્યા દરમ્યાન બંને આરોપીઓ ચીખલી પોલીસ મથકમાં ડી-સ્ટાફના રૂમમાં વાયર જોડે પંખા ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. બંને આરોપીઓ ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવતાં ચકચાર મચી ગઇ હતી.
આ ઘટના બહાર આવતાં મીડિયા પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ઘટના રૂમમાં મીડિયાના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો હોય એમ ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓ દ્વારા પોલીસ કામગીરીની બહાનું બનાવી મીડિયાને પ્રવેશતા અટકાવ્યા હતા. પોલીસના આ અઘોષિત પ્રતિબંધને કારણે ઘટના અંગે વધુ શંકા પેદા થઇ છે. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યાં દરેક રૂમમાં સીસીટીવી કેમેરા અને 24 કલાક પોલીસ હોય ત્યાંજ આરોપીઓ કઈ રીતે આપઘાત કરી શકે એ જ મોટો સવાલ છે.પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનામાં લાવવામાં આવેલ બે શંકમંદ આરોપી ઇસમોએ આપઘાત કરતા પોલીસ કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
પોલીસ મથકમાં બબ્બે આરોપીઓ આપઘાત કરે છતાં ત્યાં નાઈટ ડ્યુટી કરતી પોલીસને ગંધ પણ ન આવે માની શકાય એવી વાત નથી. ચીખલી પોલીસ સ્ટેશન માંજ બે આરોપીઓએ આપઘાત કરતા ચીખલી પોલીસ ની કામગીરી શંકાના દાયરામાં આવી ગઇ છે. સવાલ એ થાય છે કે આરોપીઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કે પછી પોલીસના મારથી મોત થયા ?
સમગ્ર ઘટનાને લઇ જીલ્લા પોલીસ વડા ,નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક સહીત ડેપ્યુટી કલેક્ટર ચીખલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.