ગુજરાતમાં ચાલુ વર્ષના શિયાળાએ હવે લગભગ વિદાય લઈ લીધી છે. છેલ્લાં 10 દિવસથી ગુજરાતની આબોહવામાં ગરમી વર્તાવા માંડી છે. વધતી જતી ગરમીને કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના મહનગરો બપોરે સુમસામ ભાંસી રહ્યા છે. હવામાન વિભાગે પણ ગુજરાતમાંથી શિયાળું પુરુ થવાની પૃષ્ટિ કરી દીધી છે. સોમવારે અમદાવાદ સહિત રાજ્યના કુલ 6 શહેર ડીસા, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા અને ભુજમાં મહત્તમ તાપમાન વર્તાયું હતુ અને ગરમીનો પારો 38 ડિગ્રીને આંબી ગયો હતો. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ 16થી 19મી માર્ચ દરમિયાન પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હિટવેવની સંભાવના છે. હીટવેવને કારણે લોકોની મુશ્કેલી વધી શકે તેમ હોવાથી તંત્રએ ગરમીથી બચવા સરળ ઉપાયો અપનાવવા અને સાવચેતી રાખવા પણ તાકીદ કરી છે.
ગુજરાતમાં આ દિવસોમાં તાપમાન ઉંચુ જતા વૃદ્ધો અને બાળકોને ખાસ સાવચેતી રાખવી પડશે. આમ તો રાજ્યમાં અઠવાડિયાથી ઠંડી લગભગ ગાયબ થઈ ચુકી છે. દિવસ દરમિયાન આકરો ઉનાળો વર્તાવા માંડ્યો છે. તેને કારણે બપોરના સમયે લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યાં છે. ગરમી વધતાની સાથે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીપીણાના સ્ટોલ ધમધમવા માંડ્યા છે. આગાહી પ્રમાણે માર્ચ મહિનાના અંત સુધીમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની પ્રબળ સંભાવના છે. આ દિવસોમાં વિવિધ શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી જશે તેવી શકયતા છે.