ભારતના ગ્રામીણ વિસ્તારો સુધી આજે ઈન્ટરનેટ ભલે પહોંચી ગયું હોય, પરંતુ 21મી સદીના આ યુગમાં પણ અંઘશ્રદ્ધાનો દબદબો કાયમ છે. મહારાષ્ટ્રમાં બનેલી એક ઘટનામાં ઠગ તાંત્રીકે એક પરિવારના દીકરાને બચાવવાના નામે 4 કબૂતર પધરાવી દઈ 7 લાખ ઉસેટી લીધાની ઘટના બની હતી. આ ઘટનામાં પરિવારે દીકરો સાજો ન થતાં આખરે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને જાણ કરતા મામલો બહાર આવ્યો હતો. આ ઘટનાની ફરિયાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્રના એક પરિવારે અંધવિશ્વાસના ચક્કરમ 7 લાખ રૂપિયા ગુમાવવા પડ્યાની આ ઘટના અંગે મળતી વિગતો એવી છે કે, પૂનામાં એક તાંત્રિકે એક પરિવારને વિશ્વાસમાં લીધો હતો. પૂણેના કોંઢવા વિસ્તારમાં રહેતા એક પરિવારને થોડા વર્ષો અગાઉ એક તાંત્રિક સાથે મુલાકાત થઈ હતી. આ સમયે પરિવાર પોતાના ઘરના એક સભ્યની બીમારીને કારણે પરેશાન હતો. સભ્યને થયેલી બીમારી માટે તમામ પ્રકારની સારવાર થતી હતી. આમ છતાં બીમાર પુત્રને રાહત થતી ન હતી. પરિવાર કોઈ માધ્યમથી તાંત્રિક કૂતબુદ્દીન નજમને મળવા માટે પહોંચ્યો ત્યારે તાંત્રિકે પરિવાર સાથે વિશ્વાસ કેળવ્યો હતો. કૂતબુદ્દીને પરિવારને કહ્યું હતુ કે તમારા દીકરા પર કોઈએ કાળો જાદુ કર્યો છે, જેના કારણે મોત થઈ શકે છે. મોતનો ડર દેખાડીને તાંત્રીકે પરિવારને ગભરાવ્યો હતો.
બાદ તક જોઈને તેણે પીડિત પરિવારને 6 લાખ 80 હજાર રૂપિયાના કબૂતર ખરીદવા સુચન કર્યું હતુ. એટલે એક કબૂતરની કિંમત 1 લાખ 70 હજાર હતી. સારવારના તમામ પ્રયાસો છતાં દિકરાની તબિયત ન સુધરતા પરિવારે રાજીખુશીથી કબૂતર ખર્ચવા સંમતિ આપી હતી. તાંત્રિક કૂતબુદ્દીને તે સમયે દાવો કર્યો હતો કે, કબૂતર ખરીદવાથી દીકરાનું મોત નહીં થાય, તેની જગ્યાએ આ કબૂતરોના મોત થઈ જશે. પરિવાર તે તાંત્રિક પર એટલો બધો અંધવિશ્વાસ ધરાવતો હતો કે, તાત્કાલિક તાંત્રિકની વાત માનીને કબૂતર ખરીદવા પૈસા આપી દીધા હતા. જો કે, તે પછી દિવસો સાર થતા ગયા પરંતુ પીડિત પરિવારના દીકરાની તબિયતમાં કોઈ સુધારો આવ્યો ન હતો. જાન્યુઆરીમાં તો તેની તબિયત વધુ કથળવા માંડી હતી. તેથી પરિવારે તાંત્રિકને દીકરાની તબિયતમાં કોઈ સુધાર કેમ નથી થઈ રહ્યો તેવો સવાલ પુછતા તાંત્રિક જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરતો રહ્યો હતો. તાંત્રિક દરેક વખતે રાહ જુઓ, તેવું રટણ કરતો રહેતો હતો. જો કે, પરિવારની ધીરજ ખૂટી જતાં તેમણે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને આ આખી ઘટનાની જાણકારી આપી હતી. જે બાદ સમિતિના મિલિન્દ દેશમુખ અને નંદિની જાધવે હરકતમાં આવીને પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટના બાદ ફરિયાદ નોંધાતા પોલીસે તરત જ તાંત્રિક કૂતબુદ્દીનને પકડીને જેલભેગો કરી દીધો હતો. તાંત્રિક પાસેથી 3 લાખ રૂપિયા કબજે કરાયા છે. હવે પોલીસ તે તાંત્રીકની માયાજાળમાં કેટલા ફસાયા છે તેનો તાગ મેળવવા કવાયત કરી રહી છે.