ગુજરાતમાં દારૂબંધીના અમલ સામે વધુ એક સવાલ ઉઠાવતી ઘટના સુરત ખાતે બની હતી. ગણતંત્ર દિવસને જ ડભારી દરિયા કિનારે પહોંચેલા હોમગાર્ડના જવાનોએ દારૂ પાર્ટી કરી માથે દારૂની બોટલો મૂકીને ડાન્સ પણ કર્યો હતો. 26મી જાન્યુઆરીએ ભારતમાં ગણતંત્ર દિવસની રંગચંગે ઉજવણી થઈ રહી હતી. આ સમયે જ ઓલપાડના ડભારી દરિયાકિનારે હોમગાર્ડના કેટલાક જવાનોએ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતુ. જયાં ખુલ્લેઆમ દારુ પીધા બાદ આ જવાનોએ માથે બોટલો મૂકી ડાન્સ પણ કર્યો હતો. આ અંગે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ જતા ચકચાર મચી હતી. કારણ કે, પાર્ટીમાં હોમગાર્ડના સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ પણ સામેલ હતો.
વીડિયો વાઈરલ થતાં જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. વીડિયોમાં દેખાતા જવાનો હોમગાર્ડ યુનીટ સાથે સંકળાયેલા હોવાથી સુરત જિલ્લાના હોમગાર્ડ એકમના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પહેલેથી દારુ બંધી અમલી છે. આમ છતાં કોંગ્રેસ કે ભાજપની સરકારોએ તેનો અમલ સરકારી ચોપડા સુધી જ સીમીત રાખ્યો છે. દર વર્ષે ગુજરાતમાંથી કરોડો રૃપિયાનો દારુ પકડાવવો તે તેનો પુરાવો છે. રાજ્યમાં કોઈ પણ સ્થળે દારુનુ વેચાણ સામાન્ય બાબત છે. તેવા સમયે સરકાર કે તંત્ર પીદ્ધડોને જ પકડીને સંતોષ માની લે છે.