પોલીસનું નામ પડે એટલે તેમના વિશેના ખોટા ખ્યાલો જ નજર સામે આવી જાય. પરંતુ પોલીસ પણ માનવતા દાખવતી હોય છે. સુરત પોલીસે એક એવું જ કામ કરી દેખાડ્યું છે.
સુરતના વરાછા વિભાગનો એક વીડિયો વાઇરલ થયો હતો. એ વીડિયોમાં એક વૃધ્ધાને એક મહિલા મારી રહી હતી. કમલપાર્ક સોસાયટીનો આ વીડિયો જોતાં જ આ પરિવારના પડોશીએ એ વીડિયો પોલીસને પહોંચતો કર્યો હતો. એ સાથે જ પોલીસ એક્સનમાં આવી ગઇ હતી.
વીડિયોમાં જોવા મળતા પરિવારની હકિકત એવી છે કે વૃધ્ધા કાંતા સોલંકી મૂળ તો તળાજા તાલુકાના રાજપરા ગામની છે. પતિનું અવસાન થયું છે અને તેને ત્રણ દીકરા છે. ત્રણમાંથી બે દીકરાએ તો તેને રાખવાની જ ના પાડી દીધી હતી, ત્યારે કાંતાબેન કમલપાર્ક સોસાયટીમાં રહેતા દીકરાને ત્યાં રહેવા આવી હતી. ભરતના ઘરે રહેવા કાંતાબેન આવી તો ગયા, પરંતુ ભરતની પત્નીને સાસુની સેવા કરવાનું ગમતું ન હતું. એ સંજોગોમાં ઘણી વખત તે કાંતાબેનને ખૂબ મારતી પણ હતી. એવી જ એક મારપીટ જોઇને કોઇનું દિલ પીગળી ગયું. એ વ્યક્તિએ સાસુને મારતી પુત્રવધુનો વીડિયો ઉતારીને વાઇરલ કરી દીધો હતો. એ વીડિયો આખરે પોલીસ પાસે પહોંચ્યો, તો પોલીસ પણ પીગળી ગઇ હતી.
સ્વાભાવિક છે કે માતા- પિતા સંતાનોને પ્રેમથી ઉછેરતા હોય છે. પરંતુ જ્યારે માતા- પિતા વૃધ્ધ થાય છે, ત્યારે તેમની સંભાળ રાખવાને બદલે દીકરા વહુ તેમની સેવા કરવાને બદલે વૃધ્ધાશ્રમમાં મોકલી આપતા હોય છે. કેટલાક સમાજની શરમે વૃધ્ધ માબાપને ઘરમાં જ રાખતા હોય છે. પરંતુ તેમને સારી રીતે રાખતા હોતા નથી. કાંતાબેનની એવી જ દશા હતી. સુરત પોલીસે કાંતાબેનની દશા જોઇને તરત જ ઘરે પહોંચીને કાંતાબેનને અમરોલી વિસ્તારમાં આવેલા વૃધ્ધાશ્રમમાં ભરતી કરી દઇને તેમને માર મારતી પુત્રવધુ તથા પુત્ર સામે પગલાં ભર્યા છે.