વેસુ જૈન સંઘ સ્થિત આ. ૐકાર સૂરિજી આરાધના ભવનના ડોમમાં પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં તપ, ત્યાગ અને સત્સંગનો અપૂર્વ અવસર જામ્યો છે. તારીખ 2 સપ્ટેમ્બર ના 09:15 થી 10:30 સુધી “પર્યુષણ પર્વ” ના પધરામણા આ વિષય ઉપર જાહેર પ્રવચન થશે. પૂજ્ય પંન્યાસ શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજે ધર્મસભાને સંબોધતા જણાવ્યું હતું કે યુદ્ગલાનંદી મટીને આપણે પરમાનંદી બનવું જોઈએ. યુદ્ગલાનંદી પ્રત્યેની પ્રીતિના કારણે સંસારમાં રખડપટ્ટી ચાલી રહી છે. પદ, પદાર્થ, પૈસા, પરિવાર અને પ્રતિષ્ઠાની ભૂખમાં માણસ પોતાનો સાચું આત્મધર્મ ગુમાવી રહ્યો છે. આસક્તિના કુંડાળામાં અટવાયેલો જીવનને ધમરોળી નાખે છે. પરમને પ્રાપ્ત કરવા પર પદાર્થોની વળગણ છૂટે જોઈએ. હરિરસ જામે તો સબરસ એની મેળે છૂટી જાય છે.
જેને સંસાર વહાલો લાગે એને પરમ પ્રત્યે લગાવ હોતો નથી જે તમારું નથી અને તમારી સાથે આવવાનો નથી એની ચિંતા કરશો નહીં. જે તમારું છે અને તમારી સાથે આવવાનું છે તેની તૈયારી કરો. પદ, પદાર્થ, પૈસા અને પરિવાર વગેરે અહીં બધું મૂકીને જવાનું છે. તમે કરેલા જીવનમાં સત્કાર્યોની મૂડી જ તમારી સાથે આવશે. સંસારમાં ભલે કદાચ રહેવું પડે પણ તમારી ભીતરમાં સંસાર રાખશો નહીં. જીવનના તમામ ક્ષેત્રે સદગુણોને હાંસલ કરવાના છે અને દુર્ગુણોને ટાળવાના છે. સદગુણોની સુવાસથી જ આત્મવિકાસ થાય છે.
પરમનું આકર્ષણ વધારવાની જરૂર છે. પ્રભુની આજ્ઞા પ્રત્યે વફાદારી કેળવવાની જરૂર છે. પ્રભુ પ્યારા લાગશે તો પદાર્થો ન્યારા થઈ જશે. કરોડો રૂપિયાથી પણ જે ન મળે તે પ્રભુની કૃપાથી સુલભ બને છે. અત્યારે શાંતિ, સમાધિ, અને સ્વસ્થતાની જરૂર છે. સમાધાનવાદી બનશો તો જ જીવનમાં સમાધિ પ્રાપ્ત થઇ શકશે. અત્યારે ભલભલા લોકો સંઘર્ષ અને સંકલેશની વચ્ચે જીવી રહ્યા છે.