અમેરિકામાં છેલ્લાં ચાર પાંચ વર્ષથી મૂળ ભારતીયો પર હુમલાની ઘટના વધી રહી છે. આ હુમલાઓમાં ભોગ બનનારા લોકોમાં ગુજરાતીઓની સંખ્યા વિશેષ રહી છે. તાજેતરમાં અમેરિકામાં બનેલી ગોળીબારની ઘટનામાં મુળ સુરતનું દંપતી હુમલાનો ભોગ બન્યું છે. જેમાં મહિલાનું મોત નિપજ્યું હોવાના અહેવાલો છે. જયારે હુમલાને કારણે ઈજાગ્રસ્ત થયેલા પતિને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામા આવી રહી છે. સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલા ભરથાણા ગામનો પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં વસવાટ કરી રહ્યો છે. આ પટેલ પરિવાર મેરીલેન્ડમાં મોટલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ પટેલ દંપતીને સંતાનમાં બે બાળકો છે. જેમાં મોટો દીકરો હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલો છે.
પરિવારમાં મુખ્ય સભ્ય દિલીપ પટેલ અને તેમના પત્ની ઉષા પટેલ છે. ગત શુક્રવારે આ પટેલ દંપતી હુમલાનો ભોગ બન્યું હતુ. શુક્રવારે દીલીપભાઈ અને ઉષાબેન મોટલના કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક કેટલાક અજાણ્યા ઈસમો તેમની પાસે ધસી આવ્યા હતા. જે બાદ તે શખ્સોએ દંપતીને ધમકાવવા સાથે જ ફાયરિંગ કરી દીધું હતુ. આ શખ્સો લૂંટના ઈરાદે આવ્યા હોય તેવું જણાયું હતુ. જો કે, ફાયરિંગ થતાં જ દંપતી પૈકી મહિલાને ગંભીર ઈજા અને દિલીપ ભાઈને પણ ઈજા પહોંચી હતી. જયારે લુંટારુંઓ ફાયરિંગ બાદ કોઈક કારણોસર ગભરાઈ જતાં સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.
ઘટનાને પગલે મોટલ આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ આ દંપતીને સ્થાનિકોએ હોસ્પિટલમાં ખસેડ્યું હતુ. જ્યાં ઉષાબેને દમ તોડી દીધો હતો. જયારે ઉષાબેનના પતિ દિલીપ પટેલને હોસ્પિટલમાં હજી પણ સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ સુરત થતાં પટેલ સમાજમાં ચકચાર મચી જવા સાથે શોકની કાલિમા છવાઈ ગઈ હતી. ઘટનાને પગલે દીલીપભાઈ તથા તેમના સંતાનો પર આભ તૂટી પડ્યું છે. લુંટારૂઓ દ્વારા કેટલી કિંમતની લૂંટ ચલાવાઈ છે તે અંગે હજી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. અમેરિકામાં ભારતીય પર હુમલાની ઘટના વારંવાર ઘટી રહી છે. તેથી ત્યાં વસતા ભારતીય સમુદાયમાં ચિંતાની લાગણી પ્રસરી છે. અમેરિકામાં મેરિલેન્ડમાં હોટેલ માલિક દંપતી પર ફાયરિંગની ઘટના અંગે પોલીસે નોંધ લઈને તપાસ શરૃ કરી હોવાનું જાણવા મળ્યું છે.