હકીકત જાહેર થયા પછી લગ્નમાં હાજર તમામના કોરોના સંબંધિત ટેસ્ટ કરી તમામને હોમ ક્વોરોન્ટાઇન કરાવવાની જગ્યાએ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલે લગ્નમાં માત્ર ૨૪ જ ગયા હોવાનું અને તે પૈકીના ૧૨ જ પોઝીટીવ હોવાની બોગસ ગેરમાર્ગે દોરનારી પ્રેસનોટ જારી કરી
વાપીથી લગ્નમાં ૨૫૦ લોકો ગયા હતા અને તે પૈકી ૧૦ કુટુંબો તો તુષાર હરિયા અને સુરેશ પટેલ ફેમીલીનાં જ હતા : 50 પૈકી કેટલાક આધેડ વયનાં દર્દીઓને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા જેની જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલને કોઇ જ જાણકારી નથી
દક્ષિણ ગુજરાત વર્તમાન પાસે વાપીથી લગ્નમાં ગયેલા અને ગોવાથી પરત આવીને કોરોના સંક્રમિત થયેલા લોકોની નામાવલી મોજુદ કલેક્ટર રાવલ વાપીને જો ડો. અનિલ પટેલનાં ભરોસે છોડશે તો વાપી કોરોનાનાં ખપ્પરમાં હોમાઇ જશે : વાપી પીએચસીનાં મેડિકલ ઓફિસર પાસે કોઇજ માહિતી નથી તેઓ હજી ફીંફા જ ખાંડે છે : કોરોના પોઝિટિવનો આંકડો 50 કરતા વધવાની સંભાવના
આજે બપોરે દક્ષિણ ગુજરાત વર્તમાને વાપીમાં કોરોના વાયરસનાં ૫૦ જેટલા કોરોના સંક્રમિતો હોવાનાં જાહેર કરેલા બ્રેકીંગ ન્યુઝ પછી વલસાડ જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. માત્ર વાપી શહેરમાં કોરોનાથી સંક્રમિત લોકો હોમ ક્વોરોન્ટાઇન થયા હોવા છતાં પણ જિલ્લા આરોગ્ય તંત્રને કશી કરતાં કશી જ માહિતી ન હતી. દક્ષિણ ગુજરાત વર્તમાનનાં બ્રેકીંગ ન્યુઝ પછી જિલ્લા કલેક્ટરશ્રીએ અમારા અહેવાલની ધનિષ્ઠ તરતપાસ શરૂ કરતાં આજે સાંજે પાંચ વાગ્યાનાં સુમારે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલે હકીકત લક્ષી અહેવાલનાં નામે દક્ષિણ ગુજરાત વર્તમાનનાં બ્રેકીંગ ન્યુઝનાં મુદ્દે એવો ખુલાસો જારી કર્યો હતો કે તા. ૦૭-૦૩-૨૦૨૧ થી તા. ૧૨-૦૩-૨૦૨૧ દરમ્યાન ગોવા ખાતે લગ્ન પ્રસંગ રાખવામાં આવેલ. જેમાં વાપીથી અંદાજીત ૨૪ વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત વાપી આવેલ ત્યારબાદ તેઓશ્રી બહારગામથી પરત આવેલ હોવાથી કોવિડ-૧૯ની તપાસ કરાવતાં ૨૪ પૈકી ૧૨ નેગેટીવ અને ૧૨ પોઝીટીવ જણાય આવેલ છે. આ ૧૨ પૈકી ૧૦ વ્યક્તિ સગા-સંબંધી જણાય આવેલ છે. જેમની આજે મેડિકલ ટીમ દ્વારા મુલાકાત કરી કોવિડ-૧૯ અંતર્ગત રોગ અટકાયતી પગલાં અંગે માહિતી અને સારવાર આપવામાં આવેલ છે.
ડો. અનિલ પટેલને આજે બપોરે બે વાગ્યા સુધી સુરેશ પટેલ અને તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં લગ્નમાં ગયેલા મહેમાનોને કોરોના પોઝીટીવ આવ્યો હોવાની કોઇ કરતાં કોઇ માહિતી હતી જ નહીં. દક્ષિણ ગુજરાત વર્તમાને બ્રેકીંગ ન્યુઝ જાહેર કરતાં દોડતાં થઇ ગયેલાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલે જિલ્લાની પ્રજાને, સરકારને, કલેક્ટરશ્રીને, મીડીયાને માત્રને માત્ર ગેરમાર્ગે દોરવાનાં હેતુથી તેમની બેદરકારી છુપાવવાનાં હેતુથી જ આ બોગસ પ્રેસનોટ જારી કરી છે. સુરેશ પટેલ અને તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં લગ્ન પ્રસંગે વાપીથી અંદાજિત ૨૫૦ કરતાં વધુ લોકો ગોવા ગયા હતા અને આ ૨૫૦ વ્યક્તિઓમાં ૧૦ જેટલા કુટુંબો તો સુરેશ પટેલ અને તુષાર હરિયાનાં જ હતા. ૧૨મી તારીખે લગ્નમાંથી પરત આવ્યા બાદ તુષાર હરિયા અને સુરેશ પટેલની ફેમિલીમાંથી જ મોટાભાગનાં કુટુંબીજનો કોરોના પોઝીટીવ જણાય આવ્યા છે અને તે સિવાય અનેક નામાંકિત ઉદ્યોગપતિઓ અને તેમના કુટુંબીજનો લગ્નમાં હાજરી આપીને આવ્યા બાદ કોરોનાથી સંક્રમિત થઇને પોતાના ઘરે સારવાર લઇ રહ્યા છે અને તે પૈકી કેટલાક પેશન્ટોને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી દેવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાત વર્તમાનનાં બ્રેકીંગ ન્યુઝ જાહેર થયા તે પહેલાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગને ગયા રવિવારથી ગુરૂવાર સુધી વાપીમાં એક સામટા આટલા બધા શ્રીમંતો લોકોને કોરોના પોઝીટીવ થયો હોવાની કોઇ જ માહિતી ન હતી. બપોરે ન્યુઝ જાહેર થતાં જ વાપી પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરને દક્ષિણ ગુજરાત વર્તમાનનાં તંત્રીને ફોન કરીને સામેથી માહિતી માંગી હતી કે તમારી પાસે આ કોરોના પેશન્ટ દર્દીઓની માહિતી કેવી રીતે આવી અને ખરેખર આ સાચુ છે કે કેમ? બપોરે દક્ષિણ ગુજરાત વર્તમાનનાં બ્રેકીંગ ન્યુઝ પ્રસિધ્ધ થતાં જ જિલ્લા કલેક્ટરશ્રી હરકતમાં આવ્યા હતા અને જિલ્લા આરોગ્ય અધિકારીને તાકીદે વાપીમાં કોરોના સંબંધી અટકાયતી પગલાં લેવા માટે દોડાવ્યા હતા. પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલે મામલાની ગંભીરતા સમજીને વાપીમાં આખા આરોગ્ય વિભાગની ટીમને કામે લગાડીને સુરેશ પટેલ અને તુષાર હરિયાને બોલાવીને લગ્નમાં ઉપસ્થિત થયેલા તમામને તમામ કુટુંબીજનો અને મહેમાનોનાં નામો મેળવી તમામે તમામની હિસ્ટ્રી મેળવી બધાનાં જ કોરોના સંબંધીત ટેસ્ટ કરાવી હોમ ક્વોરોન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવાની જગ્યાએ તેમણે સાંજે પાંચ વાગ્યા ઉપર જણાવ્યા મુજબની બોગસ પ્રેસનોટ જાહેર કરીને કલેક્ટરશ્રી, મીડીયા અને વલસાડ જિલ્લાની પ્રજાને ગેરમાર્ગે દોરવાની ગુન્હાહીત કોશીશ કરી છે. અત્યારે પણ ગોવા લગ્નમાં ગયેલા અનેક માલેતુજારો કોરોના પોઝીટીવ હોવા છતાં પણ હોમ ક્વોરોન્ટાઇન થવાની જગ્યાએ જાહેરમાં ફરી રહ્યા છે. તેમાંથી કેટલાકનાં ઘરમાં કોરોના પેશન્ટો હોવા છતાં તેઓએ સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ કો.ઓ. બેન્કની ચૂંટણી દરમ્યાન પ્રચાર અને મતદાનની કામગીરીમાં સક્રિય ભાગ લીધો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
ડો. અનિલ પટેલે પ્રેસનોટમાં જણાવ્યું છે કે, પટેલ અને હરિયા ફેમીલીનાં લગન્ પ્રસંગે વાપીથી અંદાજીત ૨૪ વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં ગયા હતા તે વાત તદ્દન સત્યથી વેગળી અને ખોટી છે. વાપીથી ૨૫૦ જેટલા વ્યક્તિઓ લગ્નમાં ગયા હતા. જેનાં પૂરેપૂરા પૂરાવાઓ દક્ષિણ ગુજરાત વર્તમાન પાસે મોજુદ છે. ડો. અનિલ પટેલ સાથે આજે દક્ષિણ ગુજરાત વર્તમાનનાં તંત્રીએ વાતચીત કરતાં તેમણે ટેલીફોન ઉપર કબુલ કર્યું હતું કે તેમને ખરેખર જ ખબર ન હતી કે લગ્નમાં કેટલા માણસો ગયા હતા.
વલસાડ જિલ્લા પ્રશાસને કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાને લઇને પટેલ-હરિયા કુટુંબનાં લગ્ન પ્રસંગે વાપીથી ગયેલા તમામે તમામનાં કોરોના સંબંધીત તમામ ટેસ્ટ ફરજિયાત કરાવવા જાઇએ અને જે મહેમાનો ગોવા ગયા હતા તે તમામને તાકીદે હોમ ક્વોરોન્ટાઇન કરવા જાઇએ. તેમજ વાપી આવ્યા બાદ જે લોકો જાહેર જીવનમાં બીજાનાં સંપર્કમાં આવ્યા છે તે તમામને માટે હિતાવહ છે કે તેઓ કોરોના સંબંધીત જાંચ કરાવી લે.
વાપીમાં કોરોનાનાં મુદ્દે પરિસ્થિતિ ગંભીર હોવાનાં અહેવાલ પછી વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને કલેક્ટરશ્રીએ તાત્કાલીક અટકાયતી પગલાંઓ અને સમગ્ર વાપીને કંન્ટાઇન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની જે પ્રક્રિયા શરૂ કરવાની હતી તે હજુ સુધી શરૂ કરી હોય તેમ જણાતું નથી. ડો. અનિલ પટેલની સૌથી મોટી નિષ્ફળતા એ છે કે ૧૪ તારીખે લગ્નમાંથી પરત ફરીને આજે ૧૮ તારીખ દરમ્યાન અંદાજિત ૨૫૦માંથી ૫૦ કરતાં વધુ લોકો કોરોના સંક્રમિત થઇ ગયા અને જિલ્લા આરોગ્ય વિભાગને તેની જાણ શિખ્ખે નથી તેનો અર્થ ઍ થાય છે કે જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લાની ખાનગી લેબોરેટરીઓ, ખાનગી હોસ્પિટલો અને ફિઝીશ્યનો પાસેથી રોજેરોજ કોરોના સંબંધીત માહિતીઓ મેળવી રહી નથી. ડો. અનિલ પટેલે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે એ હકીકતનો સ્વીકાર કર્યો કે ગોવા લગ્નમાં ગયેલા પૈકી ૧૨ કોરોના પોઝીટીવ છે પણ તેમણે પ્રેસનોટમાં ગોવા માત્ર ૨૪ લોકો જ ગયા હોવાનું જણાવીને મીડીયાની આંખે પાંટા બાંધવાની કોશીશ કરી છે. બીજી ઉલ્લેખનીય બાબત એ છે કે આ લગ્ન પ્રસંગમાં લંડન અને સાઉથ આફ્રિકાથી ઘણા બધા મહેમાનો ગોવા આવ્યા હતા. વાપીથી ગોવા લગ્નમાં ગયેલા અને તે પછી કોરોનાથી સંક્રમિત થયેલા લોકોમાં આફ્રિકન કોરોના સ્ટ્રેઇન છે કે નહીં તેની તાકીદે તપાસ થવી જાઇએ. પરંતુ જિલ્લા આરોગ્ય તંત્ર હજુ સુધી હરકતમાં આવ્યું નથી.
સાંજે પાંચ વાગ્યે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલે ઉપર મુજબની પ્રેસનોટ જાહેર કરી પરંતુ વાપી ખાતેનાં પીએચસી સેન્ટરનાં મુખ્ય તબીબી અધિકારીને સાંજે પાંચ વાગ્યા સુધી ખરેખર વાપીમાં કેટલા કોરોના પોઝીટીવ કેસ છે અને લગ્નમાં ગયેલા કોણ કોણ પોઝીટીવ છે તેની લેસ માત્ર પણ વિગત જાણકારી જ ન હતી.
કોરોના વાયરસનાં મામલામાં જિલ્લા આરોગ્ય અધિકારીએ આ માહિતી જાહેર થયા પછી જનહિતમાં સક્રિય થઇને તાકીદે મેડીકલ ટીમ મોકલીને કામે લગાવી દેવી જાઇએ. તેની જગ્યાએ તેમણે લગન્માં ૨૪ લોકો જ ગયા હોવાનું અને ૧૨ને જ કોરોના થયો હોવાની માહિતી જાહેર કરી છે. તે પછી એવો પ્રશ્ન ઉભો થયો છે કે શું વાપીમાં કોરોનાનાં મુદ્દે ગંભીર સ્થિતિ છે તે બાબતની જાહેરાત ન કરવા બાબતે ડો. અનિલ પટેલ ઉપર કોઇનું દબાણ છે કે પછી ડો. અનિલ પટેલ ઉદ્યોગપતિઓનાં ખોળામાં બેસી ગયા છે અને ઉદ્યોગપતિઓની ઇજ્જત અને આબરૂ બચાવવાનાં કામે લાગેલા છે? જિલ્લા કલેક્ટરશ્રી આર.આર. રાવલ આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ ઉપર ભરોસો રાખવાને બદલે વાપીનાં મામલામાં તાત્કાલીક ગાંધીનગરથી આખી મેડિકલ ટીમ બોલાવીને જા કોરોના રોકવા સંબંધી કાર્યવાહી નહીં શરૂ કરાવશે તો વાપી કોરોનાનાં ખપ્પરમાં હોમાઇ જશે તે વાત નક્કી છે.