ઇન્ડોનેશિયામાં એક મહિલાને હવા દ્વારા ગર્ભ રહ્યા બાદ બાળકીનો જન્મ થયાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ ઘટનામાં મહિલા પોતે હવા દ્વારા ગર્ભવતી થઈ હોવાનો દાવો કરી રહી છે. જો કે, ઇન્ડોનેશિયામાં લોકોએ મહિલાના દાવાને ખોટો ગણાવ્યો છે. લોકોના જણાવ્યા મુજબ મહિલાનો આ ખેલ ગર્ભાવસ્થાના વાસ્તવિક તથ્યોને છૂપાવવા માટે જ છે. મહિલાએ એ પણ દાવો કર્યો છે કે આ સંપૂર્ણ ઘટનાક્રમ માત્ર એક કલાકની અંદર થયો છે. ત્યારબાદથી સ્થાનિક પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. આ મહિલા પહેલાથી એક બાળકની મા છે અને તલાક બાદ અલગ રહે છે. ઇન્ડોનેશિયાના મીડિયામાં આવેલા અહેવાલો મુજબ મહિલાનું નામ સીતી જિનાહ છે. મહિલાએ પોતે ગર્ભવતી બની હોવાના ઘટનાક્રમ વિશે કહ્યું હતુ કે, બુધવાર બપોરે તે પોતે પ્રાર્થના કર્યા બાદ જમીન પર નિંદ્રા માણી રહી હતી. આ દરમિયાન તેને એવું લાગ્યું કે હવા મારા દ્વારા શરીરમાં પ્રવેશ કરી રહી છે. ત્યાર પછી ૧૫ મિનિટ બાદ તેને પેટમાં દુઃખાવો થવા માંડયો હતો. સાથે જ એક મોટી ગાંઠ પેટ ઉપર ઉપસી રહ્યાનું તેણીએ અનુભવ્યું હતુ. આખરે તે મહિલાએ પરિવારને વાત કરા તેને ઘર નજીક આવેલી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. જયાં તેણીએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.
આ ઘટનામાં સૌથી આશ્ચર્યની વાત એ છે કે મહિલા કહી રહી છે કે, તેણીએ કોઈ પણ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યો નથી. આ બાળકીનો ગર્ભ તેનામાં હવા દ્વારા રહી ગયો છે. બીજી તરફ સામુદાયિક ક્લિનિકના પ્રમુખ ઇમાન સુલેમાને સગર્ભાની ડીલેવરી બાદ માતા અને બાળકી સંપૂર્ણરીતે સ્વસ્થ હોવાનું જણાવ્યું હતુ. બાળકીનો જન્મ સામાન્ય રીતે થયો અને તેનું વજન ૨.૯ કિલોગ્રામ છે. ઘટનાની જાણ થતા જ અનેક સરકારી અધિકારીઓ હૉસ્પિટલમાં પહોંચી ગયા હતા. જે બાદ તેઓએ મહિલા પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. મહિલાની સારવાર કરનાર તબીબ સુલેમાન કહે છે કે, કેટલીકવાર મહિલાને પોતાની ગર્ભાવસ્થા વિશે ખબર પડતી નથી. અંતિમ તબક્કે જ મહિલાને પોતે ગર્ભવતી હોવાનું જણાય છે. જે સ્થિતિ પ્રસુતિની નજીકના સમયગાળા સુધી પહોંચી ચુકી હોય છે. હવે ઇન્ડોનેશિયામાં બનેલી આ ઘટનાથી આશ્ચર્ય સર્જાયું છે. જો કે, ઈન્ડોનેશિયામાં ગેરકાયદે ગર્ભાધારણ કરવું ગુનો છે. તેથી પોલીસ આ કેસમાં તમામ પાસાને ચકાસી રહી છે.