બોલીવુડ સહિત સમગ્ર ભારતમાં ચકચાર મચાવનારા સુશાંત રાજપૂત અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ કનેકશન બહાર આવ્યું હતુ. જે બાદ આ કેસમાં સીબીઆઈ ઉપરાંત એનસીબી પણ જોડાઈ હતી. એનસીબીએ આ કેસમાં જોડાયેલા ડ્રગ્સના રેકેટને જાણવા તપાસ કરી હતી. જો કે, કેટલાક દિવસોની તપાસ બાદ સીબીઆઈએ સુશાંતે આત્મહત્યા કર્યાનું તથ્ય રજૂ કર્યું હતુ. આમ છતાં ડ્રગ્સની બાબતને તેણે નકારી ન હતી. દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના આ આત્મહત્યના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ શુક્રવારે ડ્રગ્સ કનેક્શન કેસની ચાર્જશીટને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી શરૃ કરી દીધી હતી.
એનસીબી ચીફ સમીર વાનખેડે કોર્ટમાં ખુદ ચાર્જશીટ દાખલ કરવા જનાર હોવાનું જાણવા મળ્યું છે. અંદાજે 30 હજાર પાનાની આ ચાર્જશીટમાં એનસીબીએ કેસ સાથે સંકળાયેલા ડ્ગ્સના પાસાને રજૂ કરવા પ્રયાસ કર્યો છે.
સુશાંત કેસની તપાસ દરમ્યાન EDને ડ્રગ્સ સાથે જોડાયેલ ચેટ મળી હતી ત્યારબાદ EDએ ચેટ NCBને સોંપતા સમગ્ર પાસા અંગે એનસીબીએ ગંભીરતાથી તપાસ આદરીને પુરાવા ભેગા કરવા મથામણ કરી હતી. NCBની એન્ટ્રી થતાં જ તે સમયે બોલીવુડમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે ડ્રગ્સના કારભારમાં બોલીવુડના અનેક કલાકારો સામેલ હતા. જે બાદ દીપીકા, શ્રદ્ધા કપૂર તથા રિયા અને તેના ભાઈની પણ કલાકો સુધી પુછપરછ કરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ NCBની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી સહિત કુલ 33 લોકોને આરોપી તરીકે દર્શાવાયા છે. ઉપરાંત રિયાના નજીકના અને કેટલાંય ડ્રગ્સ પેડલર તથા સપ્લાયર વિશે પણ નામજોગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, તે તમામની આ પહેલા NCB ધરપકડ કરી ચુકી છે.
હવે ચાર્જશીટમાં રિયાનું નામ ફરી દર્શાવાયું હોવાથી તેની મુશ્કેલી વધી શકે તેમ છે.