ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં હજારો પક્ષીના રહસ્યમય મોતની ઘટનાથી તંત્ર ફફડ્યું હતુ. જે બાદ ગુજરાતના કેટલાક શહેરોમાં મોતને ભેટેલા પક્ષીના બર્ડફલૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જો કે, 20 દિવસથી બર્ડફલૂના કોઈ સમાચાર મળ્યા નથી. અઠવાડિયા પહેલાં જ ગાંધીનગરમાં સેક્ટર-3 પાસે પણ કેટલાક મરઘાના શંકાસ્પદ મોત નિપજ્યા હતા. આ મરઘાના પણ શંકાસ્પદ મોત હોવાથી તેના સેમ્પલ લઈને તપાસ માટે ભોપાલની લેબોરેટરીમા મોકલી આપવામાં આવ્યા હતા. જેનો બર્ડ ફ્લૂનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. ત્યાં મંગળવારે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાન પાસે જ એક બતકનું મોત થયું હતુ. જે બાદ આ અંગેની જાણ તંત્રને કરતા જ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. મુખ્ય મંત્રી વિજય રુપાણીના નિવાસ સ્થાને પહોંચેલી પશુપક્ષી ચિકિત્સકોની ટીમે મૃત બતકના મોતનુ કારણ જાણવા કવાયત હાથ ધરી હતી. બતકનું મોત બર્ડ ફ્લૂને કારણે થયું હોવાની પણ આશંકા છે. તેથી બતકના સેમ્પલ લઈને તેને તપાસ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલી અપાયા છે.
સેક્ટર 3માં એકસાથે ટપોટપ 24 જેટલાં મરઘાના મોતની ઘટનાને અઠવાડિયા પછી મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ બતકનું મોત નિપજવાની ઘટનાએ તંત્ર અને સરકારની ચિંતા વધારી છે. તાપી જિલ્લામાં 15 દિવસ પહેલાં જ બર્ડફલૂના કેસ દેખાયા હતા. તેથી ગુજરાતમાં ફરીએકવાર બર્ડ ફ્લૂનો ખતરો મંડાય રહ્યો છે. સરકારે આગામી દિવસોમાં બર્ડફલૂને રોકવા કડક પ્રતિબંધો લાદવા પડે તેમ છે. હાલ ગાંધીનગરમાં રુપાણીના ઘર પાસેથી મળેલા મૃત બતકના દેહનો ગાઈડલાઈન મુજબ નિકાલ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે, અગમચેતીના પગલારુપે સેમ્પલ લઈને બર્ડ ફ્લૂનો ટેસ્ટ કરવા તજવીજ કરાઈ છે. બતકના મોત પૂર્વે પણ ગાંધીનગરમાં 24 મરઘાના મોતની ઘટનાએ ચિંતા ફેલાવી જ હતી. જયારે આજે બતકના મોતથી તંત્ર પણ અસમંજસભરી સ્થિતિમાં છે. બીજી તરફ મુખ્યમંત્રી આવાસમાં બતકના મોતના પગલે આસપાસ અન્ય કોઈ પશુપક્ષીનાં મોત નિપજ્યા છે કે નહીં તેની તપાસ શરૃ કરી દેવાય હતી. જો કે, બપોર સુધીમાં કોઈ પશુ પક્ષીના શંકાસ્પદ મોત થયાનુ બહાર આવ્યું ન હતુ.