ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આગામી 19મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજકોટનો કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તંત્ર દ્વારા તડામાર તૈયારી કરાઈ રહી છે. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પરથી ઉતર્યા બાદ વડાપ્રધાન રેસકોર્ષ રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર સુધી ભવ્ય રોડ શૉ કરવાના છે. રાજકોટમાં પીએમ મોદી રોડ શૉ કર્યા બાદ એક ભવ્ય સભાને સંબોધન કરશે. રાજકોટમાં વિવિધ કાર્યક્રમો તેમજ અનેક લોકાર્પણમાં પીએમ મોદી હાજરી આપશે આ ઉપરાંત અનેક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીની તૈયારીઓ તેજ થતી જઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ હવે ગુજરાતની ચૂંટણીની તારીખ પણ થોડા દિવસોમાં જ જાહેર થઇ શકે છે. રાજકોટમાં પ્રધાનમંત્રીની મુલાકાત ખાસ થઇ શકે છે અને આ સાથે જ રાજકીય માહોલ વધુ ગરમ થશે તેમજ અનેક સમીકરણો પણ બદલી જશે. પીએમ મોદી બુધવારે સાંજે 5 વાગ્યા બાદ એરપોર્ટથી સભાસ્થળ સુધી રોડ શૉ કરશે. આ રોડ શૉના આયોજન અર્થે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ મોહન કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદીપ ડવ, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટ પ્રવાસ અંગે માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ મીરાણીએ કહ્યું હતું કે પીએમ મોદી રાજકોટ એરપોર્ટથી સભા સ્થળ સુધી રોડ શૉ કરશે ત્યારબાદ સુધા જ રેસકોર્ષમાં સીધા પ્રવેશ કરીને ભવ્ય સંબોધન કરશે અને તે પછી ડૉ. યાજ્ઞિક રોડથી શાસ્ત્રી મેદાન ખાતેના હાઉસિંગ કોન્ક્લેવમાં ભાગ લઈને ત્યાં પણ સંબોધન કરશે. રાજકોટમાં પીએમ મોદી સાંજે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી રોકાણ કરશે. નોંધનીય છે કે પીએમ મોદી પોતાના રાજકીય કરિયરની શરૂઆત રાજકોટથી કરી હતી અને તેઓ સૌપ્રથમ ચૂંટણી રાજકોટ પશ્ચિમ વિધાનસભાની બેઠક પરથી લડ્યા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.