એક જાગૃત નાગરિકે કરેલી ફરિયાદ મુજબ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રોહીસ્સા ગામ ખાતે બ્લોક સર્વે નં-૧૭૨, ૧૭૩ વાળી જમીન તેઓના પરિવારના કુલ – ૪ સભ્યોના નામે આવેલ છે. જેમાંથી ફરીયાદીના ભાઇ સને–૨૦૧૬માં મૃત્યુ પામ્યા હોય તેઓનું નામ ગામ નમુના નંબર ૭/૧૨ તથા જમીનની ખાતાવહી ૮-અ માંથી કમી કરાવવાનું હોય જે માટે પેઢીનામું કરવાનુ હોય મામલતદાર કચેરી મહેમદાવાદ ખાતે પેઢીનામા બાબતે જરૂરી એફીડેવીટ તથા ડીકલરેશન તૈયાર કરી આરોપી રોહિસ્સાના તલાટી વિનોદ ચૌહાણને આપેલા તેમ છતાં પેઢીનામાની કોઇ કાર્યવાહી ન કરી ફરીયાદીને વારંવાર ધક્કા ખવડાવેલા. જ્યારે બીજો આરોપી સરપંચના પતિ રમેશ પરમારને મળી લેવાનું જણાવતાં, ફરીયાદી રમેશ પરમારને મળતાં તેમણે કામ પેટે રૂ. ૩૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી, જે પૈકી બન્ને આરોપીએ ફરીયાદી પાસેથી લાંચ પેટે રૂ. ૧૦,૦૦૦/- અગાઉ લઇ લીધેલ. બાકીના રૂ.૨૦,૦૦૦/- બાબતે બન્ને આરોપીએ અવાર નવાર ઉઘરાણી કરતા ફરીયાદીએ વિનંતી તથા રકજક કરતાં રૂ.૧૦,૦૦૦/- લાંચ પેટે આપી જવાનું જણાવ્યું હતું.
લાંચની આ રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં લાંચનું છટકુ ગોઠવતાં આરોપી તલાટી વિનોદ ચૌહાણે ફરીયાદીને લાંચની રકમ બીજા આરોપી રમેશ પરમારને આપી દેવાનું ટેલિફોનિક જણાવતાં ફરીયાદીએ લાંચની રકમ રમેશ પરમારને આપતા તેઓ પંચ રૂબરૂ લાંચની રકમ સ્વિકારી પકડાઇ ગયા હતા. જ્યારે વિનોદ ચૌહાણે પંચ રૂબરૂ લાંચની રકમ બાબતે ટેલિફોનિક સંમતિ આપી તપાસ દરમ્યાન પકડાઇ જઇ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો. બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર જે.આઇ.પટેલ, ખેડા એ.સી.બી. પો.સ્ટે. નડીયાદ તથા ટીમે છટકું ગોઠવ્યું હતું. જ્યારે અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમા સુપરવિઝન અધિકારી હતા.