ગુજરાતમાં દારુનો વેપલો અને અનાજના કાળાબજાર વર્ષોથી થઈ રહ્યા છે. સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની, આ બેનંબરી ધંધાને રોકવામાં તેને કયારેય રસ રહ્યો નથી. રાજ્યમાં ગરીબોને રાહતદરે અને મફત અનાજ વિતરણની વ્યવસ્થા વર્ષોથી ચાલી રહી છે. જેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો રહ્યો છે. ઘઉં અને ચોખા જેવી મોંઘી અને મહત્ત્વની કોમોડિટીનો જથ્થો સસ્તા અનાજની દુકાન સુધી પહોંચાડવા માટે તાલુક કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનો બનાવાયા છે. જ્યાંથી મોટી માત્રામાં જથ્થો જે તે રેશનીંગની દુકાન સુધી મોકલાય છે. હાલમાં પંચમહાલ જિલ્લાના શહેરામાં સરકારી અનાજ ગાયબ થયાનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો ગાયબ થઈ જતા ઉચ્ચ સ્તરે વાત પહોંચી છે. સુત્રોના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લા પુરવઠા મામલતદાર કે.આર. દેવલ અને મેહુલ ભરવાડની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતા ભાંડો ફુટ્યો હતો.
તપાસ દરમિયાન ગોડાઉનના સ્ટોકની વિગતો માંગવામાં આવી હતી. જેમાં 50 કિલો વજનના 13127 ક્ટ્ટા અને 50 કિલો વજનનના 1298 કટ્ટા ઓછો હોવાનું બહાર આવ્યું હતુ. ગાડાઉનમાંથી મોટો જથ્થો ગાયબ હોય, અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. ગોદામના મેનેજરની પુછતાછ કરાતા ટેકનિકલ કારણ આગળ ધરી ગોળ ગોળ જવાબો આપવામાં આવ્યા હતા. આખરે અધિકારીની શંકા વધુ દ્રઢ થતાં તપાસના આદેશ થયા હતા. મળતી વિગતો મુજબ ગાયબ અનાજની કિંમત પોણા બે કરોડ રૃપિયા છે. મામલતદાર મેહુલ ભરવાડના જણાવ્યા મુજબ પુરવઠા અધિકારીને રીપોર્ટ કરી દેવાયો છે. જોકે, યોગ્ય તપાસ બાદ ખ્યાલ આવશે કે, આટલી મોટી રકમનો અનાજનો જથ્થો આખરે ક્યાં ગયો છે ? આ પહેલા અમદાવાદના એક ગોડાઉનમાં અનાજ સડી ગયું હતું. ગરીબોને નામે મત માંગતી સરકાર અનાજ વિતરણ વ્યવસ્થામાં ચાલી રહેલી ગેરરીતિને કેટલી ગંભીરતાથી તપાસ કરશે તે હવે મહત્વનું બન્યું છે.