ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં વિજય મેળવ્યો હતો. જેને કારણે ટીમ ઈન્ડિયાને આઇસીસીની ટેસ્ટ રેંકિંગમાં લાભ થયો છે. ICCની ટેસ્ટ રેંકિંગમાં ટીમ ઇન્ડિયાને માથે સર્વશ્રેષ્ઠનો તાજ આવ્યો છે. તાજેતરમા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ છે. જેમાં બંને ટીમોએ સારો દેખાવ કર્યો હતો. હવે આ સીરીઝ પૂર્ણ થઈ ગઈ છે. ચાર મેચની ટેસ્ટ સીરીઝ ભારતીય ટીમે જીતી લીધી છે. આ સીરીઝ જીતવાથી ભારતીય ટીમને ફાયદો થવા સાથે તેણે દુનિયામાં ભારતનું ગૌરવ વધાર્યું છે. આઇસીસીએ હાલમાં જ ટેસ્ટ મેચની રેંકિંગ જાહેર કરી છે. જેમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે રમાયેલી અંતિમ સીરીઝની ગણતરી કરાઈ છે. ભારતીય ટીમના હવે 4505 પોઇન્ટ અને 122 રેટિંગ થઇ ગયા છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમને પાછળ છોડી ભારતીય ટીમ આઇસીસીના ટેસ્ટ રેંકિંગમાં ટૉપ પર દેખાવા માંડી છે. ઇંગ્લેન્ડને ચાર મેચોની સિરીઝની છેલ્લી મેચમાં એક ઇનિંગ અને 25 રનથી હરાવ્યા બાદ ભારતીય ટીમ હવે ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ સ્થાને પહોંચી છે. ટૉપ-5 ટીમમાં ન્યૂઝીલેન્ડની ટીમ 118 રેટિંગ સાથે બીજા સ્થાને છે. જયારે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમ ક્રમશ: ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. ટીમ ઇન્ડિયાએ ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 25 રનથી પછાડ્યું હતુ. ભારતે આ વિજય સાથે જ ચાર ટેસ્ટ મેચની સિરીઝ 3-1થી જીતી લીધી હતી. ભારતીય ટીમના આ શાનદાર દેખાવ સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન સિરીઝની ફાઇનલ મેચ માટે ભારતીય ટીમે સ્થાન મેળવી લીધું છે, જેને એક નોંધપાત્ર સિદ્ધિ પણ ગણી શકાય.