ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ વન-ડે મેચમાં ભારતે શાનદાર વિજય મેળવ્યા બાદ ચાહકો અને ટીમના સુકાની માટે એક માઠા સમાચાર આવ્યા છે. મંગળારે ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 317 રન કર્યા હતા. જે બાદ હરિફ ટીમ ઇંગ્લેન્ડ આ લક્ષ્યાંકને પાર કરવા મેદાને ઉતરી હતી. પરંતુ તે 251 રનમાં જ તંબુ ભેગી ગઇ હતી. ઈંગ્લેન્ડની ટીમ સામે ભારતીય ટીમે વિજય મેળવતા ચાહકો અને ટીમ ખુશખુશાલ થઈ ગઈ હતી. આ ઘટના સાથે જ ભારતીય ટીમ માટે માઠા સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાના વાઈસ કેપ્તાન રોહિત શર્મા અને શ્રેયસ અય્યરને ગત રોચ મેચ દરમિયાન ઈજા થઈ હતી. જેના કારણે પ્રથમ વન-ડે મેચમાં ફિલ્ડિંગ કરવામાં તેઓએ મુશ્કેલી અનુભવી હતી. ઇંગ્લેન્ડની બેટિંગ દરમિયાન 8મી ઓવરમાં એક બોલને રોકવા જતા અય્યરને ડાબા ખભામાં ઇજા પહોંચી હતી. ઇજા થતા અય્યર દુ:ખાવાથી પીડાતો જણાયો હતો.
આ ઉપરાંત રોહિત શર્માને પોતાની બેટિંગ સમયે કોણીમાં ઇજા પહોંચી હતી. આ ઇજાના કારણે તે ફિલ્ડીંગ પણ કરી શક્યો નહીં. હવે આ બંને ખેલાડીઓ આગામી મેચમાં ટીમમાંથી આઉટ થઈ જાય તેવી પુરેપુરી શકયતા છે. જો આ બંને ખેલાડી રમતમાંથી બહાર રહે તો ટીમ ઈન્ડિયાને મોટો આંચકો સહન કરવો પડશે.
મંગળવારની મેચમાં શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ક્રૃણાલ પંડ્યા આ મેચમાં શાનદાર દેખાવ કરવામં સફળ રહ્યા હતા. જેઓએ હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. જોકે શિખર ધવન 98 રને આઉટ થઇ ગયો હતો અને તે પોતાની સદી ચૂકી ગયો હતો. મહત્વની વાત એવી પણ છે કે, પ્રથમ વન-ડેમાં રોહિત શર્મા અને શ્રેયસ અય્યર સારો દેખાવ કરી શક્યા નથી. રોહિતે 28 અને અય્યરે 6 રનમાં જ પોતાનો દેખાવ સમાપ્ત કરી દીધો હતો. તેથી આ બંને ખેલાડીઓ બાકીની વન-ડેમાંથી બહાર થઈ જાય તેવી શકયતા પ્રબળ બની છે. હવે આગામી મહિને આઇપીએલની શરૂઆત થશે. રોહિત શર્મા અને શ્રેયસ અય્યર દિલ્હી અને મુંબઇના કેપ્ટન છે. જો તેમને ગંભીર ઈજા પહોંચી હશે તો નવા કેપ્ટન પણ બનાવાશે.