એલન મસ્કની ટેસ્લા કંપની કર્ણાટકના બેંગલોર ખાતે તેનું પ્રથમ મેન્યુફેકચરિંગ યુનિટ શરૃ કરવા તત્પર છે. ટેસ્લા કંપની દ્વારા આ યુનિટ શરૃ થશે તો ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરથી લગભગ 3 લાખ રોજગાર ઉભા થવાની આશા રખાય છે. સુત્રોના જણાવ્યા મુજબ ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લા ભારતમાં કારનું નિર્માણ ઝડપથી શરૂ કરવા તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રી રામ અને ડેવિડ જોન ફિસ્ટીનની ટેસ્લાના નિર્દેશક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
કર્ણાટકના બેંગલોર ખાતે તે સૌ પ્રથમ કાર ઉત્પાદનની શરૂઆત કર્યા બાદ ભારતના અન્ય વિસ્તારમાં પણ પ્લાન્ટ નાંખવાની નેમ ધરાવે છે. ભારતમાં એલન મસ્કની કંપનીએ ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રા.લિ. નામથી નોંધણી કરાવી દીધી છે. ગત વર્ષે કંપનીના CEO એલન મસ્કે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, ભારતમાં 2021માં એન્ટ્રી કરવાની છે. કંપની ભારતમાં મોડલ 3 સેડાન કાર સાથે માર્કેટમાં આવશે. તેની કિંમત લગભગ 60 લાખ રૂપિયા થશે. ટેસ્લા કંપનીની કાર્યવાહી વિશે વહેતા થયેલા અહેવાલોને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પણ પૃષ્ટિ આપી છે. બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતુ કે, ટુમકુર જિલ્લામાં ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાની યોજના પર સરકાર કામ કરી રહી છે. આ યોજના માટે લગભગ 7725 કરોડ રૂપિયાનો ખર્ચ થનાર છે. જો આ યોજના સાકાર થશે તો લગભગ નવી 2.8 લાખ રોજગારીની તક ઉભી થશે. દેશની અર્થવ્યવસ્થામાં કેન્દ્રીય બજેટથી સુધારો આવશે તેમ પણ યેદુરપ્પાએ ઉમેર્યું હતુ. અમેરિકાની કંપની ટેસ્લાએ 2021માં જાન્યુઆરીમાં ભારતમાં એન્ટ્રી લીધી છે.