દુનિયામાં વાહનો બનાવતી કેટલીક કંપનીઓ હવે ડ્રાઇવર વગર વાહનો ચાલી શકે તે દીશામાં કામ કરી રહી છે. આ જ સમયે જાણીતી ટેસ્લા કંપનીએ તો ઓટોપાયલટ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. જો કે, આ ફીચરવાળી કાર હજુ મોટાભાગના દેશોમાં મળી રહી નથી. કંપનીઓની આ કવાયત વચ્ચે હવે ડ્રાઇવર વગર દોડતા વાહનો કેટલા સુરક્ષિત હશે તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં ચાલક વગર દોડતા વાહનોને કારણે દુનિયામાં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. જેમાં અનેક નિર્દોષ લોકોના મોત થઈ જતાં કંપનીના ફીચરથી સલામતીનો પ્રશ્ન ઉભો થયો છે. અનેક લોકોએ જીવલેણ અકસ્માત માટે કંપનીનું ફીચર જવાબદાર ઠેરવ્યું છે, જયારે ટેસ્લા જેવી કંપની પોતાની સિસ્ટમ સંપૂર્ણ સલામતીભરી હોવાનો દાવો કરી રહી છે. કેલિફોર્નિયામાં ટેસ્લા કારે 15 વર્ષીય છોકરાને ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેના પરિવારના સભ્યોએ કંપની પર કેસ ફાઇલ કર્યો હતો. પરિવારનું કહેવું છે કે ટેસ્લાનું ઓટોપાયલટ ફીચર તેમના પુત્રના મૃત્યુ માટે જવાબદાર છે. ટેસ્લાનું ઓટોપાયલટ ફીચર પણ વર્ષ 2019માં અકસ્માતનું કારણ બન્યું હતું.
ચાલક વગરના વાહનોથી થતા અકસ્માતો પર નજર કરાય તો ઓગસ્ટ 2019માં અમેરિકામાં પ્રથમ અકસ્માત થયો હતો. જેમાં કેલિફોર્નિયાના ફ્રીવે પર બેન્જામિન માલ્ડોનાડો તેના 15 વર્ષના પુત્ર જોવા સાથે ફૂટબોલ ટૂર્નામેન્ટ જોઈ પરત ફરી રહ્યો હતો. રસ્તો ઓળંગતી વખતે તેણે તેની ફોર્ડ એક્સપ્લોરર પીકઅપ ધીમી કરી હતી. માલ્ડોનાડોએ ટર્ન સિગ્નલ આપ્યું અને જમણી તરફ વળાંક લીધો હતો. આ સમયે અચાનક જ ટેસ્લા મોડેલ 3 તેની સાથે આવીને ટકરાતા અકસ્માત થયો હતો. તે કારને ઓટોપાયલટ મોડ પર ચલાવવામાં આવી રહી હતી. અકસ્માત સમયે તેની ઝડપ 96 કિમીની હતી. અકસ્માતમાં તે કારમાં બેઠલો શખ્સ ફંગોળાઈને બહાર ફેંકાયો હતો. જે બાદ ગંભીર ઈજાને કારણે તેનું મોત નિપજ્યું હતુ.
વર્ષ 2019માં જ અમેરિકાના હ્યુસ્ટનમાં ટેસ્લાની મોડેલ S કાર રસ્તા પર અચાનક વળાંક લેવા સમયે બેકાબૂ થઈ હતી. ત્યારબાદ તે ઝાડ સાથે અથડાઈ હતી. ઝાડને ટકરાતાંની સાથે જ કારને આગ લાગતા કારમાં સવાર લોકો ભડથું થઈ ગયા હતા. અકસ્માત સમયે તે કારમાં ડ્રાઇવિંગ સીટ પર બેઠું ન હતું, એક વ્યક્તિ ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠો હતો અને બીજી વ્યક્તિ પાછળ બેઠો હતો. હ્યુસ્ટન શહેરમાં થયેલા અકસ્માત અંગે ટેસ્લાના CEO અને સ્થાપક ઈલોન મસ્ક કહે છે કે, અત્યાર સુધી બતાવેલા ડેટા લોગથી સ્પષ્ટ દેખાય છે કે, આ કારમાં ઓટોપાયલટ ઇનેબલ કરવામાં નહોતું આવ્યું અને આ કામ માટે FSD (ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ) સિસ્ટમ ખરીદવામાં આવી નહોતી. આ ઉપરાંત, સ્ટાન્ડર્ડ ઓટોપાયલટને સ્ટાર્ટ કરવા માટે લેન લાઇનની જરૂર હોય છે જે આ લેન પર નહોતી. અમારી સિસ્ટમ સંપૂર્ણ સુરક્ષિત જ છે.