મહારાષ્ટ્રના થાણેમાં મોટી દુર્ઘટના, પુલના નિર્માણ દરમિયાન ક્રેન અને સ્લેબ પડી, 17 લોકોના મોત. એક કમનસીબ અકસ્માતમાં, થાણેના શાહપુર પાસે ગર્ડર લોન્ચિંગ મશીન તૂટી પડતાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયાં હતાં અને ઘણા લોકો ઘાયલ થયાં હતાં. મળતી માહિતી મુજબ, આ મશીનનો ઉપયોગ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાના નિર્માણમાં કરવામાં આવી રહ્યો હતો. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી રહી છે. હજુ પણ ઘણા લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે.
NDRFની ટીમ સ્થળ પર હાજર
માહિતી આપતા, NDRFએ જણાવ્યું હતું કે, થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં એક પુલના સ્લેબ પર ક્રેન પડતાં NDRFની બે ટીમો ઘટનાસ્થળે કામ કરી રહી છે. કહેવાય છે કે સુરક્ષાના કોઈ પગલાં ન હોવાને કારણે અહીંના મજૂરોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 15 મૃતદેહો શાહપુર ઉપજિલા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. 3 થી 4 લોકો ઘાયલ થયા છે. મૃતકો સિવાય અન્ય ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ગર્ડર મશીનને જોડતી ક્રેન અને સ્લેબ 100 ફૂટની ઊંચાઈએથી પડી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. મૃતકોના મૃતદેહની સાથે ઘાયલોને પણ સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મશીનનો ઉપયોગ હાઇવે અને હાઇ-સ્પીડ રેલ બ્રિજ બાંધકામ પ્રોજેક્ટ્સમાં પ્રીકાસ્ટ બોક્સ ગર્ડર્સ ઇન્સ્ટોલ કરવા માટે થાય છે. ઈન્ડિયા ટુડે મુજબ, સમૃદ્ધિ મહામાર્ગ, જેનું નામ હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના નામ પરથી રાખવામાં આવ્યું છે, મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ, મુંબઈ અને નાગપુરને જોડતો 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસવે છે. પોલીસ કર્મચારીઓ અને ફાયર અધિકારીઓ બચાવ અને રાહત કાર્યમાં લાગેલા છે.