વિશ્વભરમાં લોકતંત્રના હિમાયતી દેશમાં વિરોધ પ્રદર્શન સામાન્ય બાબત છે. કેટલાક સમયથી સરકાર કે તંત્ર સાથે વિરોધ વ્યક્ત કરવાના પ્રકારમાં બદલાવ આવી રહ્યો છે. હાલમાં ફ્રાન્સની એક અભિનેત્રીએ વિરોધ માટે અપનાવેલા રસ્તાની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. 57 વર્ષની ફ્રાન્સની આ અભિનેત્રીનું નામ કોરેન માસિરો છે. સરકારના એક નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરવા આ અભિનેત્રી કોરેન માસિરોએ એવોર્ડ ફંક્શનમાં સ્ટેજ પર જ પોતાના તમામ કપડાં ઉતારી નાંખ્યા હતા. આ દ્રશ્ય જોઈને હાજર તમામ સ્તબ્ધ થઈ ગયા હતા. સીઝર એવોર્ડ ફંક્શનનું હાલમાં જ ફ્રાન્સમાં આયોજન થયું હતુ. ઓસ્કાર એવોર્ડ જેટલું જ મહત્વ ધરાવતા આ એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપવા લોકો આવ્યા હતા. જો કે, ફ્રાન્સમાં કોવિડ-19ને કારણે સિનેમાઘર અને થિયેટરો પર પ્રતિબંધ લદાયો છે. તેથી ત્યાંના મોટાભાગના કલાકારો આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. દરમિયાન ફ્રાન્સમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલન સાથે સીઝર એવોર્ડ ફંક્શનને મંજૂરી અપાઈ હતી. આ જ સમયે માસિરોને બેસ્ટ કોસ્ટ્યૂમનો એવોર્ડ આપવા માટે નિમંત્રણ અપાયું હતુ. આ કલાકાર ગઘેડાના કોસ્ટ્યૂમનો પોશાક પહેરીને સ્ટેજ પર પહોંચ્યા ત્યારે જ સૌએ આશ્ચર્ય અનુભવ્યું હતુ. તેમના પોશાક પર લોહીના ડાઘા દેખાતા હોય તેવું ચિત્ર હતુ. તેઓએ સ્ટેજ પર પહોંત્યા બાદ એકાએક તમામ કપડાં ઉતારી નાંખ્યા હતા, તેમની આ હરકતના કારણે ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. માસિરોએ શરીર પર સંદેશો લખ્યો હતો કે, કલ્ચર નહીં તો ફ્યૂચર નહીં. તેમણે પ્રધાનમંત્રી જિએન કાસ્ટેક્સ માટે પીઠ પર લખ્યું હતું કે, અમને અમારી કલા પાછી આપી દો. આ ફંક્શનમાં પહોંચેલા અમુક અન્ય કલાકારોએ પણ કલાકારના આ દેખાવ બાદ સરકાર સમક્ષ આ જ માંગ દોહરાવી હતી.